બેંગલુરુઃ કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ રાજ્યભરમાં પર્યાવરણ સુરક્ષા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. તેમણે તમામ શાસકીય કચેરીઓ અને અધિકૃત મિટિંગોમાં પ્લાસ્ટિકની પાણીની બોટલોના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાનો આદેશ આપ્યો છે. હવે શાસકીય કાર્યક્રમો અને કચેરીઓમાં પીવાના પાણી માટે માત્ર પર્યાવરણમિત્ર સામગ્રીનો જ ઉપયોગ કરાશે.
મુખ્યપ્રધાને જણાવ્યું કે અગાઉ પણ આ અંગે સૂચના આપવામાં આવી હતી, પરંતુ હવે આ નિયમને કડક રીતે અમલમાં લાવવામાં આવશે. તમામ વિભાગના વડાઓને આદેશ આપવામાં આવ્યા છે કે, તેઓ પોતાના વિભાગોમાં આ પ્રતિબંધનું પાલન સુનિશ્ચિત કરે અને જરૂરી માર્ગદર્શિકા તાત્કાલિક જાહેર કરે.
સિદ્ધારમૈયા સરકારે એક અન્ય મહત્વપૂર્ણ નિર્ણય કરતાં જાહેર કર્યું છે કે રાજ્યની જાહેર સંસ્થા કર્ણાટક મિલ્ક ફેડરેશન (KMF)ના ‘નંદિની’ બ્રાન્ડના દૂધ અને ખાદ્ય ઉત્પાદનોનો ઉપયોગ તમામ શાસકીય મિટિંગો, કાર્યક્રમો અને સચિવાલય સહિતની કચેરીઓમાં ફરજિયાત રહેશે. એટલે કે હવે ચા, કોફી, દૂધ અને અન્ય દૂધના ઉત્પાદનો માટે ફક્ત ‘નંદિની’ બ્રાન્ડ જ અપનાવાશે.
સરકારના જણાવ્યા મુજબ, આ પગલાથી માત્ર પર્યાવરણને જ લાભ નહીં મળે, પરંતુ રાજ્યના સ્થાનિક દુગ્ધ ઉદ્યોગને પણ મજબૂતી મળશે. દરેક વિભાગને આ માર્ગદર્શિકાનો કડક પાલન કરવાની સૂચના આપવામાં આવી છે અને દરેક કાર્યક્રમમાં આ નિયમોનું અમલ સુનિશ્ચિત કરવા કહેવામાં આવ્યું છે.
મુખ્યપ્રધાને કહ્યું, “રાજ્યના તમામ શાસકીય કચેરીઓ અને બેઠકોમાં પ્લાસ્ટિક બોટલના સ્થાને પર્યાવરણમિત્ર સામગ્રીનો ઉપયોગ કરવાની સૂચના અગાઉ જ આપવામાં આવી હતી, પરંતુ હવે તેનું કડક પાલન થશે. સાથે જ દરેક અધિકૃત કાર્યક્રમોમાં ‘નંદિની’ ઉત્પાદનોનો ઉપયોગ ફરજિયાત રહેશે, જેથી રાજ્યની પોતાની સંસ્થાને પ્રોત્સાહન મળે.”
સિદ્ધારમૈયા સરકારના આ નિર્ણયને પર્યાવરણપ્રેમીઓએ સ્વાગત કર્યું છે, કારણ કે તે સ્વચ્છતા, પર્યાવરણ રક્ષણ અને સ્વદેશી ઉદ્યોગોને બળ આપવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ગણાવવામાં આવી રહ્યું છે.


