અમદાવાદ, 9 એપ્રિલ 2026: Lawyers demand installation of AC in bar rooms શહેરના મેટ્રોપોલીટન કોર્ટના બાર રૂમોમાં એર કન્ડિશન (AC) ન હોવાથી વકીલો ઉનાળાની અસહ્ય ગરમીમાં મુશ્કેલ સ્થિતિનો સામનો કરી રહ્યા છે. ત્યારે હજારો વકીલો માટે સુવિધા વધારવા સંદર્ભે એક મહત્વની માંગણી ઉઠી છે. એડવોકેટ બ્રીજ કેલ્લા, જેઓ અમદાવાદ ક્રિમીનલ કોર્ટસ બાર એસોસીએશનના પૂર્વ કારોબારી સભ્ય છે, તેમણે ગુજરાત હાઈકોર્ટના જનરલ રજીસ્ટ્રારને પત્ર લખીને ફોજદારી કોર્ટના બાર રૂમોમાં તાત્કાલિક એર કંડીશનર (એસી) લગાવવા વિનંતી કરી છે.
ગુજરાત હાઈકોર્ટના જનરલ રજિસ્ટ્રારને પત્ર લખીને એવી રજુઆત કરવામાં આવી છે કે, શહેરના લાલ દરવાજા (અપના બજાર) ખાતે નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ ચાલતી કોર્ટસ અને ઘીકાંટા સ્થિત મેટ્રોપોલીટન કોર્ટસના મોટાભાગના કોર્ટ રૂમોમાં હાલ એસીની સુવિધા ઉપલબ્ધ છે. ન્યાયિક અધિકારીઓ એસીની સુવિધા સાથે હોલમાં કામ કરી રહ્યા છે, પરંતુ તે જ બિલ્ડીંગમાં કાર્યરત અંદાજે 6500 જેટલા ધારાશાસ્ત્રીઓ આ સુવિધાથી વંચિત રહી ગયા છે. કોર્ટ કમ્પાઉન્ડમાં દરરોજ આશરે 3000 જેટલા વકીલો અને 8000 થી 10000 જેટલા પક્ષકારો તથા પોલીસ કર્મચારીઓની અવરજવર રહે છે. છેલ્લા દસ વર્ષમાં ગુજરાતના વાતાવરણમાં આવેલા ફેરફારને કારણે એપ્રિલથી જુલાઈ મહિના દરમિયાન ગરમીનો પારો અત્યંત ઊંચો જાય છે. ફોજદારી કોર્ટમાં વેકેશન હોતું નથી, જેના કારણે કાળઝાળ ગરમીમાં કામ કરતા વકીલોને સ્વાસ્થ્ય સંબંધી ગંભીર સમસ્યાઓ જેવી કે ઉલટી, ચક્કર અને હાઈ બ્લડ પ્રેશરનો સામનો કરવો પડે છે.
સરકાર અને ન્યાયતંત્ર દ્વારા જ્યારે નવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવામાં આવી રહ્યું છે, ત્યારે અમદાવાદ મેટ્રોપોલીટન કોર્ટના 1500 થી વધુ ધારાશાસ્ત્રીઓ માટે ફાળવવામાં આવેલા ચાર મોટા બાર રૂમોમાં વહેલી તકે એસી લગાવવામાં આવે તેવી વકીલોએ માગણી કરી છે.


