ડીસા, 26 જાન્યુઆરી 2026: બનાસકાંઠામાં મંદિરોને નિશાન બનાવી દાનપેટીઓ તોડી ચોરી કરતી ગેંગને જિલ્લા એલસીબી પોલીસે ઝડપી પાડી હતી. પાલનપુર એલસીબી દ્વારા ડીસા વિસ્તારમાં કરાયેલી કાર્યવાહી દરમિયાન ત્રણ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા.આરોપીની પૂછપરછમાં ડીસા, ભીલડી સહિતના વિસ્તારોમાં 10થી વધુ મંદિરોમાં ચોરીનો ભેદ ઉકેલાયો છે.
બનાસકાઠા જિલ્લા એલસીબી પોલીસે ડીસાથી મંદિરોમાં ચોરી કરતી ત્રણ શખસોની ગેન્ગને ઝડપી લીધી હતી.જ્યારે આ ગેંગના ત્રણ અન્ય આરોપીઓ હજુ ફરાર છે. પકડાયેલા ત્રણેયશખસોની પૂછતાછ કરતા 10 જેટલા મંદિરોમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે. આરોપીઓ મંદિરની દાનપેટીને નિશાન બનાવતા હતા.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ પાલનપુર એલસીબી પોલીસ રવિવારે ડીસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. ત્યારે જૂના ડીસા વિસ્તારમાંથી જિલ્લામાં અલગ અલગ મંદિર ચોરીની ઘટનાઓમાં સંડોવાયેલી ગેંગના ત્રણ શંકાસ્પદ ભાવેશભાઈ પીરાજી ઠાકોર (રહે.લોરવાડા, તા.ડીસા), ભરતસિંહ ચંપુજી રાઠોડ અને લક્ષ્મણસિંહ અજમલજી રાઠોડ (બંને રહે.મુડેઠા, તા.ડીસા)ને ઝડપી લીધા હતા. પૂછપરછ દરમિયાન આરોપીઓએ અલગ- અલગ મંદિરોમાં દાનપેટીઓ તોડી ચોરી કર્યાનું કબૂલ કર્યું હતું.જેથી ડીસા, ભીલડી તેમજ અન્ય વિસ્તારોમાં થયેલી 10થી વધુ મંદિર ચોરીના ભેદ ઉકેલાયો હતો. જ્યારે ત્રણ આરોપીઓ કિરણસિંહ પીરાજી ઠાકોર, ગેમરસિંહ ભમરસિંહ વાઘેલા અને નારણસિંહ પોપટજી વાઘેલા(ત્રણે રહે.લોરવાડા) ફરાર છે.પકડાયેલા આરોપીઓ પાસેથી વિવિધ મંદિરોમાંથી ચોરી કરેલ રૂ.30 હજાર રોકડા, ત્રણ મોબાઇલ તથા ગુનામાં વપરાયેલ લોખંડનો સળિયો મળી રૂ.40,500નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


