1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જ્ઞાનનો ઉપયોગ ‘સ્વ’ ના વિકાસની સાથે માનવ જાતના કલ્યાણ માટે કરીએ: રાજ્યપાલ
જ્ઞાનનો ઉપયોગ ‘સ્વ’ ના વિકાસની સાથે માનવ જાતના કલ્યાણ માટે કરીએ: રાજ્યપાલ

જ્ઞાનનો ઉપયોગ ‘સ્વ’ ના વિકાસની સાથે માનવ જાતના કલ્યાણ માટે કરીએ: રાજ્યપાલ

0
Social Share
  • ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7માં વાર્ષિક દિક્ષાંત સમારોહ યોજાયો
  • વિવિધ શાખાઓના 21 હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાઈ
  • 140 જેટલા વિદ્યાર્થીઓએ ડૉક્ટરેટની ડિગ્રી મેળવી

ગાંધીનગરઃ પંચમહાલના વિંઝોલ સ્થિત  ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો 7 મો દિક્ષાંત સમારંભ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ દિક્ષાંત સમારંભમાં વિવિધ શાખાઓના 21 હજારથી વધુ વિદ્યાર્થીઓને દિક્ષાંત સમારંભમાં ડિગ્રી તથા સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 140 જેટલા વિદ્યાર્થીઓને ડૉક્ટરેટની ડિગ્રી પણ એનાયત કરવામાં આવી હતી.

રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ ભારતની આઝાદીમાં યોગદાન આપનાર સ્વાતંત્ર્ય સેનાની તથા સમાજ સુધારક શ્રી ગુરુ ગોવિંદને સ્મરણાંજલિ અર્પણ કરતાં જણાવ્યું હતું કે,  ગુરુ ગોવિંદે આદિવાસી સમાજમાં ચાલતા કુરિવાજો દૂર કરીને સમાજ સુધારણાનું કાર્ય કરીને યુવાનો માટે પ્રેરણારૂપ કાર્ય કર્યું છે.

રાજ્યપાલએ ગોલ્ડ મેડલ વિજેતાઓ સહિત તમામ ડિગ્રીધારક વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી વિદ્યાર્થીઓના જીવન ઘડતરમાં બહુમૂલ્ય યોગદાન આપનાર શિક્ષકો અને પોતાના સપનાઓને બાજુએ મૂકીને બાળકોના શિક્ષણ માટે સમર્પિત માતા-પિતાના ત્યાગને ગૌરવપૂર્વક યાદ કર્યા હતા.

તૈત્તિરીય ઉપનિષદના ઉપદેશનો ઉલ્લેખ કરતાં રાજ્યપાલએ વિદ્યાર્થીઓને સત્ય, ધર્મ અને શિક્ષણના પાલન દ્વારા જ્ઞાનનો પ્રચાર કરવા અનુરોધ કરતાં ઉમેર્યું હતું કે, સત્ય પ્રકાશની જેમ અંધકારને દૂર કરે છે અને સત્યવાદી જીવન ભય-તણાવથી મુક્ત રાખે છે. તેમણે ઉપસ્થિત વિદ્યાર્થીઓને શુભકર્મ, વિવેક અને બુધ્ધિ કૌશલ્ય દ્વારા તેમણે મેળવેલા જ્ઞાનનો ઉપયોગ ‘સ્વ’ ના વિકાસની સાથે સમાજ અને માનવજાતના કલ્યાણ માટે કરવા અનુરોધ કર્યો હતો.

રાજ્યપાલએ જણાવ્યું કે, મનુષ્યનું જીવન ફક્ત રોટી, કપડાં અને મકાન મેળવવા પુરતું નથી. પરંતુ મનુષ્યની ખાસિયત તેની સહિષ્ણુતા, દયા અને પરોપકારમાં છે. જે વ્યક્તિ બીજાના દુ:ખ-સુખને પોતાનું માને, તે જ સાચો મનુષ્ય છે. શિક્ષણનો હેતુ માનવતા અને નૈતિકતા જાગૃત કરવાનો હોવો જોઈએ.

ગુરુ ગોવિંદ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં યુવા પદવીધારકોને સંબોધતા રાજ્ય કક્ષાના ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે, શિક્ષણનો સાચો હેતુ માત્ર રોજગારલક્ષી અક્ષરજ્ઞાન મેળવવાનો નહીં, પરંતુ ચારિત્ર્ય નિર્માણ દ્વારા સમાજ અને રાષ્ટ્રના ઘડતરમાં અમૂલ્ય યોગદાન આપવાનો છે. જીવનના આગામી દસ વર્ષોને કારકિર્દી નિર્માણ માટે અત્યંત મહત્વના ગણાવી તેમણે યુવાશક્તિને આહવાન કર્યું હતું કે, તેઓ કોઈપણ નકારાત્મક પ્રભાવમાં આવ્યા વિના પૂર્ણ પરિશ્રમથી પોતાની શક્તિનો ઉપયોગ રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે કરે. અંતમાં, તેમણે રાજ્યમાં સકારાત્મક વાતાવરણ ઊભું કરવા બદલ મીડિયાની ભૂમિકાને પણ બિરદાવી હતી અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ પદવીધારક યુવાનો આવતીકાલના સમૃદ્ધ ભારતના પાયાના પથ્થર બનશે.

આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ  હરિભાઈ કટારિયાએ સ્વાગત પ્રવચન કરીને યુનિવર્સિટી ચાલી રહેલ વિવિધ પ્રવૃતિઓનો વાર્ષિક અહેવાલ પ્રસ્તુત કર્યો હતો. યુનિવર્સિટીની ભૌતિક સુવિધા તથા શૈક્ષણિક, સંશોધન તથા રમતગમત તથા સાંસ્કૃતિક ક્ષેત્રેમાં આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે ગૌરવ અપાવનાર અધ્યાપકો તથા વિદ્યાર્થીઓની માહિતી આપી હતી. તદુપરાંત કુલ સચિવ ડૉ અનિલ સોલંકીએ આભાર વિધિ કરી હતી.

આ પ્રસંગે રાજ્યપાલએ  ગુરુ ગોવિંદ યુનિવર્સિટીના ડિઝિટલ સ્ટુડીયોનું ઈ- લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે મહાનુભાવો દ્વારા રાજ્યપાલનું  સુતરની માળા પહેરાવી પીઠોરા પેઇન્ટિંગનું સ્મૃતિચિન્હ આપીને સ્વાગત કર્યું હતું.

આ સમારોહમાં જિલ્લા પ્રભારી મંત્રી રમેશભાઈ કટારા, રાજ્યસભા સાંસદ  જસવંતસિંહ પરમાર, ધારાસભ્ય નિમિષાબેન સુથાર, જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારી ડી. એમ. દેસાઈ, પોલીસ અધિક્ષક હરેશ દુધાત સહિત કોલેજના ટ્રસ્ટી, આચાર્ય સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code