1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સાવરકૂંડલાના બાઢડા ગામની સીમમાં ખૂલ્લા કૂવામાં પડતા સિંહણનું મોત
સાવરકૂંડલાના બાઢડા ગામની સીમમાં ખૂલ્લા કૂવામાં પડતા સિંહણનું મોત

સાવરકૂંડલાના બાઢડા ગામની સીમમાં ખૂલ્લા કૂવામાં પડતા સિંહણનું મોત

0
Social Share

અમરેલી, 9 એપ્રિલ 2026:  Lioness dies after falling into open well   જિલ્લાના સાવરકુંડલા રેન્જ હેઠળ આવેલા બાઢડા ગામની સીમમાં એક સિંહણ ખુલ્લા કૂવામાં પડી જતા તેનું મોત નિપજ્યું હતું. છેલ્લા 24 કલાકમાં સિંહના મોતની આ બીજી ઘટના સામે આવતા વન્યજીવ સુરક્ષા વ્યવસ્થાઓ અંગે ગંભીર સવાલો ઉભા થયા છે.

અમરેલી જિલ્લાના સાવરકૂંડલાના બાઢડા ગામ નજીક રેવન્યુ વિસ્તારમાં આવેલા ખુલ્લા કૂવામાં આશરે બે વર્ષની સિંહણ શિકાર પાછળ દોડતી વખતે અચાનક કૂવામાં ખાબકી હતી. કૂવો ખુલ્લો હોવાને કારણે સિંહણ બહાર નીકળી શકી નહોતી અને અંતે તેનું મોત થયું હતું. આ ઘટનાની જાણ થતાં જ સાવરકુંડલા રેન્જના વનવિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.વનવિભાગ દ્વારા રેસ્ક્યુ કામગીરી હાથ ધરી સિંહણના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ, નિયમ મુજબ પોસ્ટમોર્ટમ (પીએમ) પ્રક્રિયા પૂર્ણ કરીને મૃતદેહનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો.

સાવરકૂંડલા વન વિભાગના સૂત્રોના કહેવા મુજબ, “સિંહણ શિકારનો પીછો કરતી વખતે ખુલ્લા કૂવામાં પડી ગઈ હતી. સ્થળ પર તપાસ દરમિયાન આસપાસ એક વાછરડીનું મારણ પણ જોવા મળ્યું હતું. આ બનાવમાં વન વિભાગે વધુ તપાસ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં જ સાવરકુંડલા રેવન્યુ વિસ્તારમાં સિંહબાળનું બીમારીને કારણે મોત થયું હતું. સતત આવી રહેલી ઘટનાઓને કારણે ગીર પૂર્વ ડિવિઝનના વનવિભાગમાં દોડધામ મચી ગઈ છે અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઘટનાની ગંભીરતાથી નોંધ લેવામાં આવી રહી છે. ખુલ્લા કુવાઓમાં વારંવાર સિંહો અને અન્ય વન્યજીવોના પડવાના બનાવો સામે આવતા હોવા છતાં, પૂરતી સુરક્ષા વ્યવસ્થા ન હોવાના કારણે આ પ્રકારની દુર્ઘટનાઓ વધી રહી છે. સ્થાનિક લોકો અને વન્યજીવ પ્રેમીઓ દ્વારા ખુલ્લા કૂવાઓ પર જાળી અથવા સુરક્ષા કવચ લગાવવાની માંગ ઉઠી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર વન્યજીવ સંરક્ષણ અંગે પ્રશ્નો ઊભા કર્યા છે. જો સમયસર જરૂરી પગલાં લેવામાં નહીં આવે તો આવા દુઃખદ બનાવો ભવિષ્યમાં પણ વધવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code