લો બોલો, ઘરમાંથી પોકેટ નહીં મળતા યુવાને ચલણીનોટ છાપવાનું કર્યું શરૂ, પોલીસે કરી ધરપકડ
બેંગ્લોરઃ કર્ણાટકના બેંગલુરુથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પોલીસે નકલી નોટો છાપવાના આરોપસર એક યુવાનની ધરપકડ કરી છે. આરોપી યુવકનું નામ કૃષિ માલી જણાવવામાં આવી રહ્યું છે. આરોપી માત્ર 23 વર્ષનો છે. આરોપી કાપડના વેપારીનો પુત્ર છે. કોમર્શિયલ સ્ટ્રીટ પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આરોપી યુવકના ઘરમાં નાની વાતને લઈને ઝઘડો થયો હતો. આ પછી, તેના પરિવારના સભ્યોએ તેને ખર્ચ માટે પૈસા આપ્યા ન હતા. બાદમાં જ્યારે તેને લાગ્યું કે તેની પાસે પૈસાની અછત છે, ત્યારે તેણે નકલી નોટો છાપવાની યોજના બનાવી. તેણે નોટો છાપવા માટે એક હોટલમાં રૂમ બુક કરાવ્યો હતો. બાદમાં જ્યારે રૂમ બોય રૂમ સાફ કરવા આવ્યો ત્યારે આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, આરોપીએ નોટો છાપવા માટે હોટેલમાં ઓનલાઈન રૂમ બુક કરાવ્યો હતો.
આરોપી ક્રિશ માલી નકલી નોટો છાપવા માટે બેગમાં પ્રિન્ટર અને સ્કેનર લઈને હોટેલમાં ગયો હતો, પછી તેણે હોટલના રૂમમાં બેસીને 500 રૂપિયાની નકલી નોટો છાપી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આરોપીએ 1 જૂને રૂમ બુક કરાવ્યો હતો. બાદમાં તેણે 7 જૂને હોટેલમાંથી ચેક આઉટ કર્યું હતું. ચેક આઉટ કરતી વખતે તેણે નકલી નોટોથી હોટલનું બિલ ચૂકવ્યું હતું. આરોપીના રૂમની સફાઈ કરતી વખતે, રૂમ બોયને ડસ્ટબિનમાં કેટલીક નોટો મળી આવી, જેની રૂમ બોયએ તરત જ હોટેલ મેનેજરને જાણ કરી હતી. બાદમાં, જ્યારે હોટલ સ્ટાફને શંકા ગઈ, ત્યારે તેમણે ક્રિશ માલી દ્વારા આપવામાં આવેલા પૈસાની તપાસ કરી અને જાણવા મળ્યું કે નોટો નકલી હતી. એટલું જ નહીં, આરોપી જે રૂમમાં રોકાયો હતો ત્યાં સફેદ ચાદરમાં નકલી નોટોના બંડલ અને ટુકડા મળી આવ્યા હતા. આ પછી, હોટલ મેનેજર મોહમ્મદ શરીફુદ્દીને કોમર્શિયલ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી અને કેસની તપાસ શરૂ કરી હતી. હોટલનો રૂમ બુક કરતી વખતે, આરોપીએ તેનું સરનામું અને આધાર કાર્ડ આપ્યું હતું. તેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

