
પ્રેમમાં પાગલ કર્ણાટકનો યુવાન બાંગ્લાદેશી પ્રેમીકાને ગેરકાયદે રીતે ભારતમાં લઈ આવ્યો
કર્ણાટકના બિદર જિલ્લાના એક યુવકની ત્રિપુરામાં તેની બાંગ્લાદેશી ગર્લફ્રેન્ડને પાસપોર્ટ અને વિઝા વિના ભારત લાવવા બદલ ધરપકડ કરવામાં આવી છે. આ કેસ આંતરરાષ્ટ્રીય કાયદાના ઉલ્લંઘન અને સંભવિત માનવ તસ્કરી સાથે પણ જોડાયેલો હોઈ શકે છે.
પોલીસના જણાવ્યા અનુસાર, 35 વર્ષીય બાંગ્લાદેશી મહિલા પહેલા મુંબઈમાં બ્યુટી પાર્લરમાં કામ કરતી હતી, પછી બેંગલુરુમાં એક ખાનગી કંપનીમાં કામ કરવા લાગી. ત્યાં તેણી બિદરના કોન્ટ્રાક્ટર દત્તા યાદવને મળી અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો. બાદમાં, તે મહિલા તેના દેશ, બાંગ્લાદેશના બોગરા જિલ્લામાં પાછી ફરી. પરંતુ યાદવ તેને ભારત પાછી લાવવા માટે મક્કમ હતો.
પાસપોર્ટ વગર સરહદ પાર કરી, BSF દ્વારા પકડાયા
બુધવારે, મહિલાએ કોઈપણ માન્ય મુસાફરી દસ્તાવેજો વિના ગેરકાયદેસર રીતે ત્રિપુરા સરહદ પાર કરી હતી. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ને આ અંગે માહિતી મળી હતી અને ગુરુવારે ત્રિપુરાના સેપાહીજલા જિલ્લામાં દત્તા યાદવ અને મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. આ દંપતીએ અગરતલાથી બેંગલુરુ જવાની યોજના બનાવી હતી, પરંતુ તે પહેલાં જ બંને પકડાઈ ગયા.
કોર્ટમાં હાજરી અને કાનૂની કાર્યવાહી
શુક્રવારે, બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા. તેમની સામે પાસપોર્ટ એક્ટ, ફોરેનર્સ એક્ટ અને ભારતીય દંડ સંહિતા હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
માનવ તસ્કરીની પણ તપાસ થઈ શકે છે
ત્રિપુરા પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ભારતમાં કયા એજન્ટોએ આ મહિલાને ગેરકાયદેસર રીતે સરહદ પાર કરવામાં મદદ કરી હતી તેની તપાસ કરવામાં આવી રહી છે.
આ સાથે, આ સમગ્ર મામલો માનવ તસ્કરી નેટવર્ક સાથે જોડાયેલો છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. જો જરૂર પડે તો પોલીસ કસ્ટડી પણ માંગી શકાય છે.