
પૂણેઃ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના તારાપુર MIDCમાં સ્થિત એક ફાર્મા કંપનીમાં નાઇટ્રોજન ગેસ લીકેજ થવાથી ચાર કર્મચારીઓના શ્વાસ રૂંધાવાથી મૃત્યુ થયા અને બે અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, આ ઘટના જિલ્લા મુખ્યાલયથી લગભગ 130 કિમી દૂર બોઇસર ઔદ્યોગિક વિસ્તારમાં સ્થિત મેડલી ફાર્મામાં બની હતી. પાલઘર જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના વડા વિવેકાનંદ કદમે જણાવ્યું હતું કે કંપનીના એક યુનિટમાં નાઇટ્રોજન ગેસ લીકેજ થયો હતો. જેના કારણે ત્યાં કામ કરતા કર્મચારીઓ તેમાં ફસાઈ ગયા હતા.
તેમણે કહ્યું કે, છ કર્મચારીઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ચારના મોત થયા હતા. તેમણે કહ્યું કે બે અન્ય કર્મચારીઓને સ્થાનિક હોસ્પિટલના ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU) માં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપનીમાં આલ્બેન્ડાઝોલ દવાનું ઉત્પાદન થઈ રહ્યું હતું. આ દરમિયાન નાઇટ્રોજન ગેસ ભેળવતી વખતે અચાનક લીકેજ થયું હતું. મૃતકોમાં કમલેશ યાદવ, કલ્પેશ રાઉત, ધીરજ પવાર અને બંગાળી ઠાકુરનો સમાવેશ થાય છે. રોહન શિંદે અને નીલેશ હડાલેની હાલત ગંભીર છે. તેમને હોસ્પિટલના ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU)માં દાખલ કરવામાં આવ્યા છે.