
- અનંત અંબાણી તા. 10 એપ્રિલે દ્વારકાધીશના દર્શન કરી જન્મદિવસ ઊજવશે
- અંબાણીએ બે દિવસમાં 24 કલાકનું અંતર કાપ્યુ
- ઝેડ-પ્લસ સુરક્ષા સાથે અનંત અંબાણીની પદયાત્રા
જામનગરઃ દેશના જાણીતા ઉદ્યોગપતિ એવા રિલાયન્સ પરિવારના અનંત અંબાણી પોતાના જન્મદિવસ નિમિત્તે ભગવાન દ્વારકાધીશનાં દર્શન માટે પદયાત્રા કરી રહ્યા છે. અનંત અંબાણીની પદયાત્રામાં અનેક લોકો સ્વયંભૂ જોડાયા છે. અનંત અંબાણીએ તારીખ 28/03/2025ના રોજ મધરાત્રે ત્રણ વાગ્યે રિલાયન્સ ટાઉનશિપ-વનતારાથી પદયાત્રા શરૂ કરી હતી. બે દિવસમાં અનંત અંબાણીએ 24 કિલોમીટરથા વધુ અંતર કાપ્યું છે. અનંત અંબાણી તા. 10 એપ્રિલના રોજ દ્વારકા પહોંચીને જગદગુરૂ દ્વારકાધિશના દર્શન કરીને પોતાના જન્મદિવસની ઉજવણી કરશે.
દેશના અગ્રણી ઉદ્યાપતિ રિલાયન્સ પરિવારના અનંત અંબાણી રિલાયન્સ ટાઉનશીપથી દ્વારકા પગપાળા યાત્રા કરી રહ્યા છે. ઝેડ પ્લસ સિક્યોરિટી સાથે અનંત અંબાણી દરરોજ 10-12 કિલોમીટર અંતર કાપી રહ્યા છે. પદયાત્રા પૂરી કરે ત્યારે જ્યાં પહોંચે ત્યાંથી પરત રિલાયન્સ ટાઉનશિપ પરત ફરે છે અને બીજા દિવસે ત્યાંથી ફરી યાત્રા શરૂ કરે છે. પહેલા દિવસે તેમણે રિલાયન્સ ટાઉનશિપથી ન્યારા કંપનીની સામે હોટલ શ્યામ-વે સુધી યાત્રા કરી હતી. જ્યાંથી તેઓ પરત રિલાયન્સ ટાઉનશિપ ફર્યા હતા. બીજા દિવસે રાત્રે સાડાત્રણ વાગ્યે ત્યાંથી યાત્રા શરૂ કરીને સવારે આઠ વાગ્યા સુધીમાં ખંભાળિયા નજીક પહોંચ્યા હતા, જ્યાંથી પરત રિલાયન્સ ટાઉનશિપ ફર્યા હતા. અનંત અંબાણીની આ પદયાત્રામાં તેમની સાથે બ્રાહ્મણો અને તેમના મિત્રો પણ જોડાયા છે. અનંત પદયાત્રામાં સામાન્ય નાગરિકોની જેમ લોકો સાથે સેલ્ફી લઈ રહ્યા છે અને ‘જય દ્વારકાધીશ’નો જયઘોષ કરી રહ્યા છે.
જામનગર સહિત વિવિધ સ્થળોએથી લોકો તેમની એક ઝલક જોવા માટે રાતભર રાહ જોઈ રહ્યા છે. દેશના કોઈ મોટા ઉદ્યોગપતિના પરિવારજને આ રીતે પદયાત્રા કરી હોય એવું કદાચ ઇતિહાસમાં પ્રથમ વખત બની રહ્યું છે. અંબાણી પરિવાર ભગવાન દ્વારકાધીશમાં અપાર શ્રદ્ધા ધરાવે છે. તેઓ અગાઉ દ્વારકા, બાલા હનુમાન અને મહાકુંભમાં દર્શન કરી ચૂક્યા છે. તાજેતરમાં સમગ્ર અંબાણી પરિવારે મહાકુંભમાં સ્નાન કર્યું હતું.