
- ભીષણ આગથી 15થી 20 લોકો ગંભીરરીતે ઈજાગ્રસ્ત થયાં,
- ફેક્ટરીમાં રહેલા જ્વલનશીલ પદાર્થોને કારણે આગ વધુ પ્રસરી,
- ફાયરના જવાનોએ કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો,
સુરતઃ જિલ્લાના બારડોલી નજીક આવેલી એક કલરકામની ફેક્ટરીમાં વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળતા બે કામદારોના મોત થયા હતા. જ્યારે અંદાજે 15 થી 20 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ બનાવની વિગત એવી છે કે, બારડોલી નજીક આવેલી એક ફેક્ટરીમાં કલર બનાવવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ એટલી વિકરાળ હતી કે થોડી જ વારમાં તેણે આખી ફેક્ટરીને લપેટમાં લઈ લીધી હતી. ફેક્ટરીમાં રહેલા જ્વલનશીલ પદાર્થોને કારણે આગ વધુ પ્રસરી હતી. આગની જાણ થતા જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી. કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે અને હાલ કુલિંગની કામગીરી ચાલી રહી છે. આ બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર પણ ઘટના સ્થળે પહોંચી ગયું હતુ. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. કેટલાક ઇજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આગને કારણે ફેક્ટરીને ભારે નુકસાન થયું છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.