
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના હેઠળ દેશની સરકારી સહાય પ્રાપ્ત શાળાઓમાં વિદ્યાર્થીઓને ગરમ રાંધેલું ભોજન પૂરું પાડવામાં આવે છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે તેમાં વપરાતા મટીરીયલની કિંમતમાં 9.50 ટકાનો વધારો કર્યો છે. આ વધારાને કારણે, કેન્દ્ર સરકાર નાણાકીય વર્ષ 2025-26 માં લગભગ 954 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ સહન કરશે. આનાથી વિદ્યાર્થીઓને પૂરતો અને પૌષ્ટિક ખોરાક મળશે તેની ખાતરી થશે.
શિક્ષણ મંત્રાલયે આ અંગે એક નિવેદન બહાર પાડ્યું. આ નવા દરો 1 મેથી તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લાગુ થશે. પીએમ પોષણ યોજના એક કેન્દ્ર પ્રાયોજિત યોજના છે જે હેઠળ 10.36 લાખ સરકારી અને સરકારી સહાયિત શાળાઓને આવરી લેવામાં આવી છે. અહીં, બાલ વાટિકામાં અભ્યાસ કરતા 11.20 કરોડ વિદ્યાર્થીઓ અને ધોરણ 1 થી 8 ને દિવસમાં એકવાર ગરમ રાંધેલું ભોજન આપવામાં આવે છે.
આ યોજનાનો ઉદ્દેશ્ય પોષણ સહાય પૂરી પાડવાનો અને શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારવાનો છે. શિક્ષણ મંત્રાલયનું કહેવું છે કે, પીએમ પોષણ યોજના હેઠળ, ખોરાક તૈયાર કરવા માટે કઠોળ, શાકભાજી, તેલ, મસાલા અને બળતણ વગેરેની ખરીદી માટે ‘સામગ્રી ખર્ચ’ આપવામાં આવે છે. સામગ્રી ખર્ચ ઉપરાંત, ભારત સરકાર ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા લગભગ 26 લાખ મેટ્રિક ટન ખાદ્યાન્ન પણ પૂરું પાડે છે.
ભારત સરકાર અનાજનો 100% ખર્ચ ભોગવે છે. આમાં દર વર્ષે લગભગ 9,000 કરોડ રૂપિયાની સબસિડી અને ફૂડ કોર્પોરેશન ઑફ ઇન્ડિયાના ડેપોથી શાળાઓ સુધી અનાજના 100 ટકા પરિવહન ખર્ચનો સમાવેશ થાય છે. યોજના હેઠળ અનાજના ખર્ચ સહિત તમામ ઘટકો ઉમેર્યા પછી, બાલ વાટિકા અને પ્રાથમિક વર્ગો માટે પ્રતિ ભોજન ખર્ચ લગભગ રૂ. 12.13 અને ઉચ્ચ પ્રાથમિક વર્ગો માટે રૂ. 17.62 થાય છે.