
- ગુજરાતમાં ડૂંગળીના કૂલ વાવેતરમાં બન્ને જિલ્લાનો હિસ્સો 87.16 ટકા
- રાજ્યમાં બાજરાના વાવેતરમાં ભાવનગર જિલ્લો પ્રથમ ક્રમે
- ભાવનગર જિલ્લામાં ઉનાળું મગફળીનું 6800 હેકટરમાં વાવેતર
ભાવનગરઃ જિલ્લામાં ગત ચોમાસા દરમિયાન સારો વરસાદ પડ્યો હતો. તેથી સિંચાઈ માટેની કોઈ મુશ્કેલી ન હોવાથી જિલ્લામાં ઉનાળું પાકનું સારા પ્રમાણમાં વાવેતર થયું છે. જિલ્લામાં ઉનાળુ વાવેતર 54,000 હેકટરમાં થયું છે. આ વર્ષે ઉનાળુ વાવેતર ટાણે જ તાપમાનમાં વધારો થયો છે. તેમજ સિંચાઈ માટે પાણીની સ્થિતિ પણ સારી હોય વાવેતર વધી રહ્યું છે. આ વર્ષે ભાવનગર અને અમરેલી જિલ્લામાં થઇને ડુંગળીનું કુલ વાવેતર 9,500 હેકટરમાં થયું છે જે ગુજરાત રાજ્યના કુલ વાવેતર 10,900 હેકટરના 87.16 ટકા થાય છે એટલે કે બાકીના 12.84 ટકામાં સમગ્ર રાજ્યમાં ડુંગળીનુ઼ વાવેતર આવી જાય છે.
ગોહિલવાડ પંથકમાં ખેડુતો હાલ ખેડુતો ઉનાળું વાવેતરમાં જોતરાયા છે. જેમાં બાજરો, ડુંગળી, મગફળી, મગ, શાકભાજી સહિતનુ઼ વાવેતર થઇ રહ્યું છે. સમગ્ર ગુજરાતમાં બાજરાના વાવેતરમાં પણ ભાવનગર જિલ્લો અગ્રીમ સ્થાને છે અને બાજરાના વાવેતરમાં ભાવનગર જિલ્લો 9,400 હેકટર સાથે સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ ક્રમે છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં બાજરાનું કુલ વાવેતર 29,200 હેકટરમાં થયું છે. તે પૈકી એકલા ભાવનગર જિલ્લામાં 9400 હેકટર એટલે કે ટકાવારીની દ્રષ્ટિએ 32.19 ટકા બાજરાનું વાવેતર એકલા ભાવનગર જિલ્લામાં થયું છે. ઉનાળુ મગફળીના વાવેતરમાં પણ વધારો થયો છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં મગફળીના વાવેતરમાં 6800 હેકટર સાથે ભાવનગર જિલ્લો પ્રથમ નંબરે છે. સૌરાષ્ટ્રમાં ઉનાળુ મગફળીનું કુલ વાવેતર 15,600 હેકટરમાં થયું હોય એકલા ભાવનગર જિલ્લામાં સૌરાષ્ટ્રભરની 43.59 ટકા વાવેતર થયું છે. સમગ્ર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લો 23,700 હેકટર ઉનાળુ મગફળીના વાવેતર સાથે પ્રથમક્રમાંકે છે. ભાવનગર જિલ્લામાં. જળાશયોમાં પણ નોંધપાત્ર પ્રમાણમાં પાણી ભરાયેલું છે ત્યારે ખેડૂતોએ ઉનાળુ પાકની વાવણી 54,000 હેકટર થઇ ગઇ છે. જેમાં બાજરી, મગફળી, ડુંગળી અને તલ મુખ્ય છે. સાથે શાકભાજી અને મગ પણ છે.
ભાવનગર જિલ્લામાં ઉનાળુ વાવેતર જોઈએ તો મગફળી 6,800 હેકટર, બાજરી 9,400 હેકટર,તલ 5,400 હેકટર, ડુંગળી 5,500 હેકટર, શાકભાજી 3,100 હેકટર, મગ 1,200 હેકટર અને ઘાસચારાનું 22,000 હેકટરમાં વાવેતર થયુ છે.