- રાજકોટના કૂવાડવા નજીક સણોસરા ગામે બન્યો બનાવ,
- પોલીસે મૃતકના કાકાની ફરિયાદ આધારે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી,
- મૃતક માનસિક બીમાર હતા અને ઘરે કહ્યા વગર અવારનવાર નીકળી જતા હતા
રાજકોટઃ શહેરમાં કાળીચૌદશની રાત્રિથી શરૂ થયેલી હત્યાનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. ગત 21 ઓક્ટોબરના રોજ શહેરના કુવાડવા નજીક સણોસરા ગામે વધુ એક હત્યાનો બનાવ બનતા છેલ્લા 3 દિવસમાં શહેરમાં 5 હત્યાના બનાવો બન્યા છે. કૂવાડવા પાસેના સણોસરા ગામે માનસિક બીમાર પિતાની હત્યા પોતાની જ દીકરી અને સગીર દીકરાએ કરી હતી. પિતાને વૃક્ષ સાથે બાંધીને બાદમાં લાકડી વડે ઢોરમાર મારી ક્રૂરતાપૂર્વક મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. હાલ પોલીસે મૃતકના કાકાની ફરિયાદ આધારે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે. કે, શહેરના કૂવાડવા નજીક આવેલા સણોસરા ગામે માનસિક બિમારીને લીધે પિતા ઘરની બહાર નિકળી જતા હોવાથી દીકરી અને સગીર દીકરાએ પિતાને ઝાડ સાથે બાંધીને મારમારતા પિતાનું મોત નિપજ્યું હતું. આ અંગે ફરિયાદી બકુલભાઈ નારુભાઈ મેડા (ઉં.વ.55)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે અમે સાત ભાઇઓ છીએ. મારા સૌથી મોટા ભાઈ સકરિયાભાઈ નારુભાઇ મેડાને સંતાનમાં આઠ દીકરા-દીકરી છે, જેમાં સુમાભાઇ સકરિયાભાઈ મેડા તેના પરિવાર સાથે છેલ્લાં 10 વર્ષથી રાજકોટના સણોસરા ગામ ખાતે જયંતીભાઇ ઠુમ્મરની વાડીમાં ખેતમજૂરી કામ કરે છે. સુમાભાઈની પત્નીનું નામ કાંતાબેન છે, જેઓ પણ ખેતમજુરી કામ કરે છે. મારો ભત્રીજો સુમાભાઈ માનસિક બીમાર છે, જેના કારણે ઘરેથી અવારનવાર કહ્યા વગર નીકળી જાય છે અને તેની માનસિક બીમારીની દવા પણ ચાલુ હતી. દરમિયાન ગત તા 21 ઓક્ટોબરના સવારના આશરે 11 વાગ્યા આસપાસ મને મારા ભત્રીજા સુમાભાઇ સકરિયાભાઇ મેડાની પત્ની કાંતાબેન સુમાભાઈ મેડાનો ફોન આવ્યો હતો અને મને કહ્યું કે મારા પતિ સુમો સવારના આશરે 10.30 વાગ્યે બેભાન થઇ ગયા છે, તેઓ કાંઇ બોલતા નથી અને શ્વાસ પણ બંધ છે. આ પછી મેં મારા ભત્રીજા દિનેશભાઈ જોગાભાઇ મેડાને ફોન કરી વાત કરી હતી. ત્યાર બાદ અમે પરિવારના સભ્યો ખાનગી વાહન ભાડે કરી અમારા ગામથી રાજકોટના સણોસરા ગામમાં સુમાભાઇ સકરિયાભાઇ મેડા જે વાડીએ ખેતીકામ કરતા અને ત્યાં જ રહેતા હતા એ વાડીએ રાતે આશરે 9 વાગ્યે પહોંચ્યા હતા, જ્યાં સુમાભાઈની પત્ની તથા તેમની દીકરી, દીકરો અને જમાઈ હાજર હતાં. અમે ત્યાં વાડીએ આવેલા મકાનમાં જોતાં એક રૂમમાં સુમાભાઇ મેડા રૂમમાં નીચે બેભાન હાલતમાં પડેલા હતા અને તેમના માથાના ભાગે લોહી નીકળેલું જોવા મળ્યું હતું, જેથી મેં કાંતાબેનને આ બનાવ બાબતે પૂછતાં તેણે જણાવ્યું કે “મારા પતિને માનસિક તકલીફ હોવાથી તેમની સારવાર ચાલુ છે, ઘરેથી કહ્યા વગર અવારનવાર નીકળી જાય છે. આજ સવારમાં જ્યારે હું ખેતરમાં ગઈ અને પરત આવી ત્યારે મારા પતિને લીમડાના થડ સાથે બાંધેલી હાલતમાં જોયા. તેમના શ્વાસ ચાલુ ન હતા, જેથી તેમને લીમડાના થડથી છોડીને રૂમમાં લઇ જઈ સુવડાવ્યા હતા.
આ બાબતે દીકરી કાજલને પૂછતાં તેણે જણાવ્યું હતું કે પપ્પા ભાગંભાગ કરતા હતા અને ઝઘડો કરતા હતા અને ઘરેથી જતા રહેવાનું કહેતા હતા, જેથી મેં તથા ભાઈએ તેમને લાકડીથી માર મારીને દોરડાથી બાંધી રાખ્યા હતા. પિતાને કાબૂમાં કરવા માટે દીકરી કાજલ તથા સગીર દીકરાએ માર મારી દવાખાને લઈ જવાની જગ્યાએ લાકડીથી મારી તેમને બાંધી દેતાં મોત નીપજ્યું હતું. બનાવ અંગે 108ને જાણ કરતાં 108 આવી અને તેમના EMTએ તપાસી સુમાભાઇને મૃત જાહેર કરી પોલીસને જાણ કરતાં કુવાડવા પોલીસ આવી જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. પોસમોર્ટમ રિપોર્ટમાં કોઇ બોથડ પદાર્થથી માર મારવાના કારણે શરીર પર ઇજા થવાથી મોત થયાનું જણાવ્યું હતું. હાલ કુવાડવા પોલીસ હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી રહી છે.


