1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કચ્છ-સૌરાષ્ટ્ર વાયબ્રન્ટ રિજનલ સમિટમાં રૂ. 5.78 લાખ કરોડના રોકાણ માટે MoU થયા
કચ્છ-સૌરાષ્ટ્ર વાયબ્રન્ટ રિજનલ સમિટમાં રૂ. 5.78 લાખ કરોડના રોકાણ માટે MoU થયા

કચ્છ-સૌરાષ્ટ્ર વાયબ્રન્ટ રિજનલ સમિટમાં રૂ. 5.78 લાખ કરોડના રોકાણ માટે MoU થયા

0
Social Share

ગાંધીનગર,16 જાન્યુઆરી 2026: મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી  જીતુ વાઘાણીએ રાજકોટ ખાતે યોજાયેલી વાયબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટની સફળતા અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પૂર્વાધરૂપે યોજાયેલી કચ્છ-સૌરાષ્ટ્ર રીજનલ સમિટ રાજ્યના ઔદ્યોગિક વિકાસ માટે સીમાચિહ્નરૂપ સાબિત થઈ છે.

આ બે દિવસીય રીજનલ સમિટ દરમિયાન કચ્છ-સૌરાષ્ટ્રમાં રૂ. ૫,૭૮,૩૩૦ કરોડના સંભવિત રોકાણના લક્ષ્યાંક સાથે કુલ ૫,૪૯૨ પ્રોજેક્ટસ માટે MoU સંપન્ન કરવામાં આવ્યા છે. આ સમિટ અંતર્ગત કરવામાં આવેલા MoU થકી રાજ્યભરમાં ૬,૨૬,૨૫૩ જેટલી રોજગારીની નવી તકો ઊભી થશે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

મંત્રી  જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, આ સમિટમાં કચ્છ જિલ્લો રોકાણ ક્ષેત્રે મોખરે રહ્યો છે. કચ્છમાં સૌથી વધુ રૂ. ૧,૨૫,૦૧૭ કરોડના રોકાણ માટે કુલ ૪૫૮ પ્રોજેક્ટ્સના MoU થયા છે, જેના માધ્યમથી કચ્છમાં ૪૮,૪૧૯ નાગરીકોને રોજગારીની તક પ્રાપ્ત થશે. રોકાણની દ્રષ્ટિએ ભાવનગર જિલ્લો બીજા ક્રમે રહ્યો છે, જ્યાં રૂ. ૬૦,૦૦૦ કરોડના રોકાણ સાથે ૩૦૬ પ્રોજેક્ટ્સ માટે MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત અમરેલી જિલ્લામાં રૂ. ૩૬,૦૦૦ કરોડના સંભવિત રોકાણ સાથે ૬૨ પ્રોજેક્ટ્સ માટે MoU અને રાજકોટ જિલ્લામાં રૂ. ૨૩,૦૦૦ કરોડના માતબર રોકાણ સાથે સૌથી વધુ ૨,૯૨૧ પ્રોજેક્ટ્સ માટે MoU કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, આ સમગ્ર સમિટ દરમિયાન પાવર, ઓઈલ અને ગેસ ક્ષેત્રમાં સૌથી વધુ રૂ. ૪,૫૫,૦૬૫ કરોડના સંભવિત રોકાણ માટે MoU હસ્તાક્ષરિત કરવામાં આવ્યા છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રાદેશિક રોકાણો ઉપરાંત વિવિધ સ્થળોએ કુલ રૂ. ૨,૬૨,૨૯૩ કરોડના રોકાણના અન્ય ૫૯ MoU સમિટ કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ્સ દ્વારા રાજ્યમાં અંદાજે ૧,૮૧,૧૪૩ જેટલા નાગરીકો માટે રોજગારીનું સર્જન થશે. મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાત ‘રોકાણ માટેનું વૈશ્વિક ડેસ્ટિનેશન’ બનવા તરફ મક્કમ ડગલાં ભરી રહ્યું છે અને આ પ્રોજેક્ટ્સ રાજ્યના ઔદ્યોગિક નકશાને વધુ મજબૂત બનાવશે, તેવો વિશ્વાસ મંત્રીએ વ્યક્ત કર્યો હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code