
- સાત જેટલાં શહેર-જિલ્લાના પ્રમુખોને રિપિટ કરવામાં આવે તેવી શક્યતા
- શહેર-જિલ્લાના પ્રમુખોને વધુ સત્તા અપાશે
- રાહુલ ગાંધી આવતા મહિનો જુનમાં ફરીવાર ગુજરાતની મુલાકાતે આવશે
અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસનું નવ સર્જન માટે કવાયત કરવામાં આવી રહી છે, જેમાં શહેર અને જિલ્લાના પ્રમુખોની પસંદગી માટે પક્ષના કાર્યકરોનો અભિપ્રાય મેળવવામાં આવ્યો છે. પક્ષના આબ્ઝર્વરોએ હાઈકમાન્ડને રિપોર્ટ સુપરત કરી દીધો છે. સૂત્રોના કહેવા મુજબ રાજયનાં 41 માંથી માંડ પાંચ-સાત શહેર-જિલ્લા પ્રમુખોને જ રીપીટ કરાશે અને બાકીનાં તમામ બદલાશે.
પ્રદેશ કોંગ્રેસનાં સૂત્રોના કહેવા મુજબ પાર્ટીના નેતા રાહુલ ગાંધીએ ગુજરાતથી કોંગ્રેસના કાયાકલ્પનો પ્રોજેકટ ઘડયો છે અને ત્યારબાદ સમગ્ર દેશનાં રાજયોમાં લાગુ કરવામાં આવશે. આ પાયલોટ પ્રોજેકટ પાછળ સંગઠનમાં ધડમુળથી ફેરફાર તથા લોકોની વચ્ચે રહેતા તથા મતદારોથી પરિચિત નેતાઓને જ હોદ્દા સોંપવાના માપદંડ નકકી કરાયા હતા. આ કવાયતનાં પ્રારંભ પૂર્વે જ રાહુલ ગાંધી બે વખત ગુજરાત આવી ગયા હતા. નેતાઓના કલાસ લીધા હતા અને સંગઠન નવરચના રાષ્ટ્રીય મોવડી મંડળ હસ્તક લઈ લીધી હતી. 31 મે સુધીમાં સમગ્ર સંગઠન નવરચના પૂર્ણ કરવાનું જાહેર કર્યું હતું.
સુત્રોએ ઉમેર્યુ કે સંગઠન નવરચના માટે રાષ્ટ્રીય નિરિક્ષકોને નિમવામાં આવ્યા હતા. તમામે રૂબરૂ શહેર જિલ્લામાં માત્ર કોંગ્રેસ આગેવાનો-કાર્યકરોના જ નહીં પરંતુ ખાનગી રીતે મતદારોના મંતવ્યો પણ મંગાવ્યા હતા અને તેના આધારે સંભવિત નામોની પેનલ તૈયાર કરીને મોવડીમંડળને સુપરત કરી હતી. સમગ્ર કવાયત ખુદ મોવડીઓ જ સંભાળી રહ્યા છે. કે.સી.વેણુગોપાલ તથા ગુજરાતનાં પ્રભારી મુકુલ વાસનીક સતત મંત્રણામાં ગુંથાયેલા છે. ઉપરાંત જરૂર મુજબ પ્રદેશ નેતાઓ તથા સંભવિત હોદેદારોને પણ રૂબરૂ તેડાવીને મીટીંગ કરવામાં આવી રહી છે. સંગઠન નવરચનાની પ્રક્રિયા હવે ફાઈનલ સ્ટેજ પર છે અને એક સપ્તાહમાં જાહેરાત કરી દેવાશે.
સુત્રોના કહેવા પ્રમાણે રાજ્યમાં શહેર-જિલ્લાના કુલ 41 પ્રમુખો છે તેમાંથી 5-7 ને બાદ કરતા નવા ચહેરા આવશે.માત્ર પાંચ-સાત જ રીપીટ થવાની સંભાવના છે. મહત્વની વાત એ છે કે સંપૂર્ણ પારદર્શક રીતે પ્રક્રિયા થતી હોવાના કારણે કોઈ આગેવાનો લોબીંગ કરવાની પણ હિંમત કરતા નથી. યુવા તથા સક્રિય કાર્યકરો-આગેવાનોને ખાસ જવાબદારી સોંપવામાં આવી શકે છે. માસાંત સુધીમાં સંગઠન નવરચનાની કવાયત પૂર્ણ કરી લેવામાં આવશે. ત્યારબાદ આવતા મહિને જુનમાં રાહુલ ગાંધી ફરી ગુજરાતની મુલાકાતે આવે તેવી શકયતા છે. નવનિયુકત હોદેદારોને માર્ગદર્શન આપવાની સાથોસાથ કામગીરીનો એજન્ડા નિર્ધારીત કરે તેવા સંકેત છે.