
નવી દિલ્હીઃ ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામનો દાવો કરી રહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે સ્પષ્ટપણે કહ્યું કે, અમે પાકિસ્તાનના મામલે ક્યારેય કોઈની મધ્યસ્થી સ્વીકારી નથી. પાકિસ્તાન સાથે મધ્યસ્થી અંગે ભારતનું વલણ હંમેશા સ્પષ્ટ રહ્યું છે અને રહેશે. એક કાર્યક્રમમાં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું કે ભારત-પાકિસ્તાન સંઘર્ષના મુદ્દા પર, અમે 1970 થી અત્યાર સુધી છેલ્લા 50 વર્ષમાં ક્યારેય કોઈની મધ્યસ્થી સ્વીકારી નથી. ભારતમાં હંમેશા એક રાષ્ટ્રીય સર્વસંમતિ રહી છે કે અમે પાકિસ્તાન સાથેના અમારા સંબંધોમાં મધ્યસ્થી સ્વીકારતા નથી. જ્યારે વેપારની વાત આવે છે, જ્યારે ખેડૂતોના હિતની વાત આવે છે, જ્યારે અમારી વ્યૂહાત્મક સ્વાયત્તતાની વાત આવે છે, જ્યારે મધ્યસ્થીનો વિરોધ કરવાની વાત આવે છે, ત્યારે સરકાર ખૂબ જ સ્પષ્ટ છે.
તેમણે કહ્યું કે, જો કોઈ અમારી સાથે અસંમત હોય, તો ભારતના લોકોને જણાવવા દો કે શું તેઓ ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા તૈયાર નથી. શું તેઓ વ્યૂહાત્મક સ્વાયત્તતાને મહત્વ આપતા નથી. પરંતુ અમે કરીએ છીએ. તેને જાળવવા માટે આપણે જે કંઈ કરવું પડશે, અમે તે કરીશું. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અંગે વિદેશ મંત્રીએ કહ્યું કે આપણે ક્યારેય ટ્રમ્પ જેવા જાહેરમાં વિદેશ નીતિનું સંચાલન કરનારા અમેરિકન રાષ્ટ્રપતિ જોયા નથી. આ પરિવર્તન ફક્ત ભારત પૂરતું મર્યાદિત નથી. રાષ્ટ્રપતિ ટ્રમ્પની દુનિયા સાથે વ્યવહાર કરવાની રીત, પોતાના દેશ સાથે પણ, પરંપરાગત રૂઢિચુસ્ત રીતથી મોટો ફેરફાર છે. હું કેટલાક ઉદાહરણો આપવા માંગુ છું જેમ કે ફક્ત વેપાર માટે આ રીતે ટેરિફ લાદવું સામાન્ય છે, પરંતુ બિન-વેપાર મુદ્દાઓ પર ટેરિફ લાદવું યોગ્ય નથી.
વિદેશ મંત્રીએ કહ્યું કે, ભારત-અમેરિકા વેપાર વાટાઘાટો હજુ પણ ચાલી રહી છે. પરંતુ મૂળ વાત એ છે કે આપણી સામે કેટલીક લાલ રેખાઓ છે. કોઈએ એવું કહ્યું નથી કે વાટાઘાટો બંધ છે. લોકો એકબીજા સાથે વાત કરે છે. એવું નથી કે ત્યાં કોઈ યુદ્ધવિરામ છે. જ્યાં સુધી આપણી વાત છે, ત્યાં કેટલીક લાલ રેખાઓ છે. આપણે આપણા ખેડૂતોના હિત માટે અને અમુક અંશે આપણા નાના ઉત્પાદકોના હિત માટે કામ કરી રહ્યા છીએ. આપણે તેમના મુદ્દાઓ પર સમાધાન કરી શકતા નથી. હું તમને એક પ્રશ્ન પૂછું છું કે શું તમે ખેડૂતો અને વેપારીઓ સાથે સમાધાન કરશો. હું કહેવા માંગુ છું કે સરકાર તરીકે અમે અમારા ખેડૂતો અને અમારા નાના ઉત્પાદકોના હિતોનું રક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે આ બાબતે ખૂબ જ મક્કમ છીએ. અમે તેમના હિતોને નુકસાન પહોંચાડે તેવું કંઈ કરીશું નહીં. હું આની ટીકા કરનારાઓને પૂછું છું કે શું તેઓ આવી સમાધાન કરશે?