
- અમદાવાદમાં 13 એજન્સીઓ મોકડ્રીલમાં જોડાઈ
- બ્લેકઆઉટમાં લોકો સ્વયંભૂ જોડાયા
- સિવિલ ડિફેન્સ દ્વારા માહિતી આપવામાં આવી
અમદાવાદઃ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકી હુમલા બાદ ભારતે ગત મોડી રાતે પાકિસ્તાન પર એરસ્ટ્રાઈક કરી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ નું નિર્માણ થયું છે. યુદ્ધની સ્થિતિમાં નાગરિકોની સલામતી માટે આજે અમદાવાદ શહેર સહિતના મહાનગરો અને 18 જેટલા જિલ્લાઓમાં આજે સાંજે મોકડ્રીલ અને રાતે બ્લેક આઉટ કરાયું હતુ. બ્લેક આઉટમાં લોકો સ્વયંભૂ જોડાયા હતા. પોતાના ઘર અને ઓફિસોની લાઈટો બંધ કરી દેવામાં આવી હતી. મ્યુનિ. દ્વારા પણ સ્ટ્રીટલાઈટો બંધ કરવામાં આવી હતી.
ગુજરાતમાં અમદાવાદ સહિત મહાનગરો અને 18 જેટલાં જિલ્લાઓમાં સિવિલ ડિફેન્સ દ્વારા આજે બપોર બાદ મોકડ્રિલનું આયોજન કરાયું હતુ. સાંજે 4 થી 8 વાગ્યા દરમિયાન મોકડ્રિલ યોજાઈ હતી. અમદાવાદમાં પણ બે જગ્યાએ પેલેડિયમ મોલ, વટવા GIDCમાં હાલ મોકડ્રિલ યોજવામાં આવી હતી. બંને સ્થળો પર પોલીસ, ફાયર સહિતની 13 એજન્સીઓના કર્મચારીઓ પહોંચ્યા હતા અને ત્યારબાદ સાંજે 8.30થી 9.00 વાગ્યા દરમિયાન બ્લેક આઉટ કરવામાં આવ્યો હતો. ઉપરાંત ચેતવણી આપતી સાયરન પણ વગાડવામાં આવી હતી. ઓપરેશન અભ્યાસ અંતર્ગત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મોક ડ્રીલ યોજવામાં આવી હતી. મોક ડ્રીલ બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બ્લેક આઉટ પણ કરવામાં આવ્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં તમામ લાઈટો બંધ કરી દેવામાં આવી હતી.
અમદાવાદમાં તમામ સ્ટ્રીટલાઈટ્સ, હોટલો અને દુકાનોની લાઈટ તેમજ ફ્લેટ્સ,બંગલોની લાઈટ્સ બંધ રાખવામાં આવી હતી, જોકે અમદાવાદના ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડ પરિસરમાં આવેલા કોમ્પ્લેક્સની દુકાનોની લાઇટો ચાલુ જોવા મળી હતી તમામ લાઈટો બંધ કરવાની હોવા છતાં પણ ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડ પર આવેલા હબ ટાઉન કોમ્પલેક્ષની કેટલીક લાઇટો ચાલુ રાખવામાં આવી હતી. તમામ દુકાનો ની બહારની લાઈટો બંધ કરવાની હોવા છતાં પણ હબ ટાઉન કોમ્પલેક્ષ દ્વારા બંધ કરવામાં આવી નથી.
રાજ્યના ડાંગ, ભરૂચ, નવસારી, નર્મદા, સુરત, વડોદરા અને તાપીમાં 7.30 થી 8:00 વાગ્યા સુધી બ્લેકઆઉટ કરાયો હતો. જ્યારે જામનગર, કચ્છ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને મોરબીમાં 8:00 થી 8.30 સુધી બ્લેક આઉટ કરાયો હતો. તેમજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ભાવનગર, ગાંધીનગર અને અમદાવાદમાં 8.30થી 9:00 વાગ્યા સુધી બ્લેક આઉટ કરાયો હતો. બ્લેક આઉટમાં લોકોએ સ્વયંભૂ સાથ આપતા એકતાના દર્શન થયા હતા.
અમદાવાદ શહેરના વટવા GIDCમાં મોકડ્રિલ કરવામાં આવી જેમાં સિવિલ ડિફેન્સ દ્વારા માહિતી આપવામાં આવી હતી મોઢામાં રૂમાલ અથવા કોઈપણ કાપડ દબાવી દેવાનું અને કાન બંધ કરી દેવાના જેના કારણે વધારે પડતાં આજના કારણે કોઈ ઈજા થાય નહીં. યુદ્ધ દરમિયાન આગ લાગે ત્યારે લોકોને કેવી રીતે બચાવવા અને આગ બુજાવવાને લઈને મોકલી કરવામાં આવી હતી. વટવા જીઆઇડીસી ખાતે ફાયર બ્રિગેડની ટીમ આગ બુજાવવા માટે પહોંચી હતી. બે જગ્યાએ આગ લગાડી અને મોકડ્રીલ કરવામાં આવી હતી.