 
                                    નવી દિલ્હીઃ આકરી ગરમીનો સામનો કરી રહેલા ઉત્તર ભારતમાં હવામાનમાં હવે રાહતના સંકેતો દેખાઈ રહ્યા છે. ભારતીય હવામાન વિભાગ (IMD)અનુસાર, 13 જૂનની રાતથી હવામાન બદલાવા જઈ રહ્યું છે. જોકે, હવામાન વિભાગે ઉત્તર ભારતમાં ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે, જેમાં વાવાઝોડા સાથે વરસાદની શક્યતા છે. ઉપરાંત, 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે, જેના કારણે લોકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે.
૧૩ જૂને મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન ૩૧ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. સાથે ભેજનું પ્રમાણ ૬૭ ટકા સુધી રહેશે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે દિવસભર ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેશે, પરંતુ સાંજે અને રાત્રે ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે વરસાદની શક્યતા રહેશે.
૧૪ જૂનથી હવામાન ઠંડુ થવા લાગશે. મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રી અને લઘુત્તમ ૨૯ ડિગ્રી સુધી ઘટી જશે. ૧૫ જૂને આ ઘટાડો વધુ ઝડપી બનશે, જ્યારે મહત્તમ તાપમાન ૪૦ અને લઘુત્તમ ૨૮ ડિગ્રી નોંધાશે. આ દિવસોમાં ‘વાવાઝોડા સાથે વરસાદ’ની આગાહી કરવામાં આવી છે, જેનાથી હવામાનમાં રાહત થશે. ૧૬ અને ૧૭ જૂને આકાશ વાદળછાયું રહેશે અને હળવો થી મધ્યમ વરસાદ પડી શકે છે. મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૭-૨૮ ડિગ્રીની આસપાસ રહેશે. આ સાથે, ૧૮ અને ૧૯ જૂને પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

