
ગરીબી, ભુખમરી અને આર્થિક સંકટથી પીડાતા પાકિસ્તાનએ ફરી આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) પાસે નવા દેવા માટે વિનંતી કરી છે. માહિતી મુજબ, IMFનું મિશન લગભગ બે અઠવાડિયા સુધી પાકિસ્તાનમાં રહેશે અને દેશમાં આર્થિક સુધારા થઈ રહ્યા છે કે નહીં તેની સમીક્ષા કરશે. જો મિશનને સંતોષકારક સુધારા જોવા મળશે, તો જ પાકિસ્તાનને નવું દેવુ મળશે.
પાકિસ્તાની અખબાર ડોનના અહેવાલ અનુસાર, IMFના મિશને પાકિસ્તાની આર્થિક ટીમ સાથે ઔપચારિક બેઠક કરી હતી. આ બેઠકમાં 7 અબજ ડોલરના દેવા અને 1.1 અબજ ડોલરની સુવિધાના અમલની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠક એવી ઘડીએ યોજાઈ હતી જ્યારે જૂન 2025 સુધીના આર્થિક કામગીરીના આંકડા મિશ્રિત રહ્યા છે. IMFમાં પાકિસ્તાનની મિશન ચીફ ઈવા પેત્રોવાના નેતૃત્વમાં આવેલા પ્રતિનિધિમંડળે પાકિસ્તાનના નાણાં પ્રધાન મહમ્મદ ઔરંગઝેબની આગેવાનીવાળી ટીમ સાથે મુલાકાત કરી હતી. બેઠકમાં સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાનના ગવર્નર, નાણાં સચિવ અને ફેડરલ રેવન્યુ બોર્ડ (FBR)ના ચેરમેન સહિતના મુખ્ય આર્થિક અધિકારીઓ હાજર રહ્યા હતા.
IMFનું મિશન 7 અબજ અમેરિકન ડોલરની Extended Fund Facility (EFF) અને 1.1 અબજ ડોલરની Resilience and Sustainability Facility (RSF)ની સમીક્ષા કરશે. પાકિસ્તાની સરકારે બેઠકમાં દલીલ કરી હતી કે, દેશમાં આવેલ વિનાશક પૂરથી થયેલા નુકસાનને પણ ધ્યાનમાં લેવામાં આવે. જોકે, સૂત્રોના કહેવા મુજબ સમીક્ષા પૂર પહેલા નક્કી કરાયેલા આર્થિક લક્ષ્યોના આધારે જ થશે. જો બેઠકના પરિણામો સકારાત્મક રહેશે તો પાકિસ્તાન આવતા મહિને લગભગ 1 અબજ ડોલર સુધીની રકમ મેળવવા પાત્ર બનશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ જ વર્ષે મે 2025માં IMFએ પાકિસ્તાનને 1 અબજ ડોલરની લોન આપી હતી.. એ વખતે પણ IMFએ પાકિસ્તાન સામે અનેક કડક શરતો મૂકી હતી, જેમાં કાર્બન લેઈવી, વીજળીના શુલ્કમાં સમયાંતરે વધારો અને પાણીના દરોમાં સુધારા જેવી શરતો સામેલ હતી. પાકિસ્તાન માટે આ લોન જીવનરક્ષક સાબિત થઈ શકે છે, પરંતુ શરતોના ભારથી સામાન્ય જનતાને વધુ મોંઘવારીનો સામનો કરવો પડી શકે છે.