
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગાઝામાં યુદ્ધવિરામ માટે રજૂ કરાયેલા નવા પ્રસ્તાવને ભારત, ચીન, રશિયા સહિતના આઠથી વધુ અરબ અને મુસ્લિમ બહુલ દેશોએ સમર્થન આપ્યું છે. આ વચ્ચે પાકિસ્તાનના વિદેશ પ્રધાન ઇશાક ડારે જણાવ્યું કે ગાઝામાં “શાંતિ સેનાની મદદ માટે પાકિસ્તાન સૈનિક મોકલશે કે નહીં, તેનો નિર્ણય દેશનું ટોચનું નેતૃત્વ કરશે.”
ઇશાક ડારે ગયા અઠવાડિયે ન્યુયોર્કમાં યોજાયેલી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના 80મા સત્રની સાઇડલાઇન પર ટ્રમ્પ અને મુસ્લિમ દેશોના નેતાઓ વચ્ચે થયેલી બેઠકની વિગતો આપી હતી. આ બેઠકમાં પાકિસ્તાન, સાઉદી અરેબિયા, કતર, યુએઈ, ઇજિપ્ત, જોર્ડન, તુર્કી અને ઇન્ડોનેશિયાના નેતાઓ હાજર રહ્યા હતા. બેઠકમાં ગાઝા-ઇઝરાયેલ યુદ્ધ સમાપ્ત કરવાની ચર્ચા થઈ હતી.
ડારે જણાવ્યું કે પાકિસ્તાનનું પ્રતિનિધિમંડળ બે મુખ્ય હેતુઓથી અમેરિકામાં ગયું હતું, એક તો યુએનજીએની પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનો અને બીજું ગાઝામાં યુદ્ધ સમાપ્ત કરવા માટે સમાન વિચારધારાવાળા દેશો સાથે સંયુક્ત પ્રયાસ કરવાનો છે.
તેમણે કહ્યું કે, બેઠકનો મુખ્ય ઉદ્દેશ ગાઝામાં યુદ્ધવિરામ લાવવો, પુનર્નિર્માણની યોજના ઘડવી, માનવીય સહાય પહોંચાડવી, ફિલિસ્તીનીઓના બળજબરીય સ્થળાંતરને અટકાવવું, સ્થળાંતરિત લોકોને પરત લાવવા માટે પગલાં લેવા અને વેસ્ટ બેંક પર ઇઝરાયેલના કબજાને રોકવાનો હતો.
ડારે સ્પષ્ટ કર્યું કે ત્યાં તૈનાત દળો “શાંતિ સેના” હશે અને મેદાનમાં કામ ફિલિસ્તીન લૉ એન્ફોર્સમેન્ટ એજન્સીઓ કરશે. ઇન્ડોનેશિયાએ આ માટે 20,000 સૈનિક મોકલવાની ઓફર કરી છે. તેમણે ઉમેર્યું કે પાકિસ્તાનનું નેતૃત્વ પણ આ મુદ્દે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેશે.
તેમણે વધુમાં જણાવ્યું કે આ ક્ષેત્રમાં એક સ્વતંત્ર ફિલિસ્તીની સરકાર હોવી જોઈએ, જેની દેખરેખ આંતરરાષ્ટ્રીય મોનિટરિંગ બોડી કરે છે. આ પ્રયાસ માટે પૂર્વ બ્રિટિશ પ્રધાનમંત્રી ટોની બ્લેયર સક્રિય છે અને હવે તેમને સફળતા મળવાની સંભાવના છે. ગાઝા મુદ્દે અમેરિકાના નવા પ્રસ્તાવ બાદ પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થાપિત કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રયત્નો તેજ બન્યા છે.