
સિંધુ જળ સંધિને મુલતવી રાખવાના નિર્ણય ઉપર પુનઃવિચારણા કરવા ભારતને પાકિસ્તાને કરી વિનંતી
નવી દિલ્હીઃ ભારત સરકાર દ્વારા સિંધુ જળ સંધિને મુલતવી રાખવાના નિર્ણય બાદ પાકિસ્તાનમાં હોબાળો મચી ગયો છે. પાકિસ્તાનની શાહબાઝ સરકારે ભારતને પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરવા અપીલ કરી છે. ભવિષ્યના સંકટને ધ્યાનમાં રાખીને, ભારતને વિનંતી કરવામાં આવી છે. શાહબાઝ સરકારે કહ્યું કે આ નિર્ણય પાકિસ્તાનમાં સંકટ પેદા કરશે.
પાકિસ્તાનના જળ સંસાધન મંત્રાલયના સચિવ સૈયદ અલી મુર્તઝાએ જળ શક્તિ મંત્રાલયના સચિવ દેવશ્રી મુખર્જીને એક પત્ર લખ્યો છે. આમાં, સિંધુ જળ સંધિના નિર્ણય પર પુનર્વિચાર કરવા માટે અપીલ કરવામાં આવી છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન આ મુદ્દા પર વાત કરવા તૈયાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નિયમો મુજબ, આ પત્ર વિદેશ મંત્રાલયને મોકલવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતને પાકિસ્તાનની અરજી સાથે કોઈ સહાનુભૂતિ નથી. સોમવારે રાષ્ટ્રને સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું હતું કે લોહી અને પાણી એક સાથે વહી શકતા નથી. ભારત હવે ત્રણેય નદીઓના પાણીનો પોતાના માટે ઉપયોગ કરવાની યોજના બનાવી રહ્યું છે. આના પર તાત્કાલિક કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત, મધ્યમ ગાળાની અને લાંબા ગાળાની યોજનાઓને પણ અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે.
હકીકતમાં, પહેલગામ હુમલાના બીજા જ દિવસે, ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ સ્થગિત કરી દીધી હતી. 1960ની સિંધુ જળ સંધિને પાકિસ્તાનની જીવાદોરી માનવામાં આવે છે. પાકિસ્તાનની 21 કરોડથી વધુ વસ્તી પાણી માટે સિંધુ અને તેની ચાર સહાયક નદીઓ પર નિર્ભર છે. આ ઉપરાંત, 90 % જમીન માટે સિંચાઈનું પાણી સિંધુ નદીમાંથી આવે છે.