પાકિસ્તાન ગાઝામાં હમાસના ખાતમા માટે 20 હજાર સૈનિક મોકલશે, મુનીરની મોસાદ સાથે બેઠક યોજાઈ
પાકિસ્તાન ગાઝા પટ્ટીમાં ઇન્ટરનેશનલ સ્ટેબિલાઇઝેશન ફોર્સ (ISF) હેઠળ 20,000 સુધીના સૈનિક મોકલવાની તૈયારી કરી રહ્યું છે. આ ફોર્સની રચના અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પહેલ પર થઈ રહી છે, અને તેનો મુખ્ય હેતુ હમાસનો અંત લાવવો અને વિસ્તારમાં સ્થિરતા લાવવી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ નિર્ણય પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ આસિમ મુનીર, અમેરિકાની CIA અને ઇઝરાઇલની ગુપ્તચર એજન્સી મોસાદ વચ્ચે થયેલી ગુપ્ત બેઠક પછી લેવાયો હોવાનું કહેવાય છે. જો પાકિસ્તાન ખરેખર ગાઝામાં પોતાના સૈનિક મોકલે છે, તો તે ઇઝરાઇલ સાથેના તેના સંબંધોમાં ઇતિહાસિક ફેરફાર સાબિત થઈ શકે છે. પાકિસ્તાને અત્યાર સુધી ઇઝરાઇલને સત્તાવાર રીતે માન્યતા આપી નથી. પરંતુ આ પગલું ઈરાન, તુર્કી અને કતાર જેવા દેશોના તીવ્ર વિરોધને જન્મ આપી શકે છે, કારણ કે આ ત્રણેય દેશો લાંબા સમયથી હમાસના સમર્થક રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની સૈનિકોનું મુખ્ય મિશન હમાસના બચેલાં ગૃપોને નિષ્ક્રિય કરવાનું અને ગાઝામાં શાંતિ સ્થાપિત કરવાનું રહેશે. આ મિશનને “માનવતાવાદી પુનર્નિર્માણ કામગીરી” તરીકે રજૂ કરવામાં આવશે, પરંતુ હકીકતમાં તેનો હેતુ ઇઝરાઇલ અને ફિલિસ્તીની સશસ્ત્ર જૂથો વચ્ચે બફર ઝોન બનાવવાનો રહેશે. આ સૈનિકો અમેરિકાની આગેવાની હેઠળ રચાયેલી ISFના ભાગરૂપે કામ કરશે. ટ્રમ્પની 20-બિંદુ યોજના મુજબ, આ ફોર્સ ગાઝાની સુરક્ષા સંભાળશે અને પછી ધીમે ધીમે વિસ્તાર ફિલિસ્તીની ઓથોરિટીને હસ્તાંતરિત કરવામાં આવશે.
રિપોર્ટ્સ મુજબ, આ તૈનાતીના બદલે અમેરિકા અને ઇઝરાઇલ પાકિસ્તાનને આર્થિક રાહત પેકેજ આપવાની તૈયારીમાં છે. તેમાં વર્લ્ડ બેંક લોનમાં છૂટછાટ, ચુકવણી માટે સમયવધારો અને ખાડી દેશોમાંથી નાણાકીય સહાય જેવી સુવિધાઓનો સમાવેશ છે. આ ડીલને પાકિસ્તાન માટેના આર્થિક સંકટ વચ્ચે મોટી રાહત તરીકે જોવામાં આવી રહી છે. આ આખી યોજના પશ્ચિમ એશિયામાં નવી વ્યૂહાત્મક વ્યવસ્થાનું નિર્માણ કરી શકે છે. જો પાકિસ્તાનની તૈનાતી હકીકતમાં સાકાર થાય, તો તે ક્ષેત્રની રાજનીતિ અને સુરક્ષા સંતુલન બંનેમાં મોટો પરિવર્તન લાવી શકે છે.


