
મહેસાણાના સામોત્રા ગામે પેપર મિલના પ્રદૂષણ સામે લોકોએ વિરોધ કરી હાઈવે ચક્કાજામ કર્યો
- પ્રદૂષણથી સામેત્રા, ગોકળગઢ, મરેડા, લક્ષ્મીપુરા (ખારા), સહિત ગ્રામજનો પરેશાન,
- મહિલાઓને ભારે વિરોધ કરીને બહુચરાજી હાઈવે ચક્કાજામ કર્યો,
- ગ્રામજનોનો વિરોધને પગલે પેપર મિલ હંગામી બંધ કરવાનો નિર્ણય
મહેસાણાઃ જિલ્લાના સામેત્રા ગામમાં આવેલી પેપર મિલથી પ્રદૂષણ અને ગંદી વાસ આવતી હોવાથી સામેત્રા અને તેની આસપાસ આવેલા ગામોના લોકો ભારે વિરોધ કર્યો છે. આ પેપર મિલમાંથી નીકળતી દુર્ગંધ એટલી અસહ્ય છે કે સામેત્રા, ગોકળગઢ, મરેડા, લક્ષ્મીપુરા (ખારા), અને ખારા સહિતના ગ્રામજનો રોષે ભરાયા છે. આજે ગુરૂવારે મહિલાઓએ વિરોધ કરીને બહુચરાજી હાઈવે ચક્કાજામ કર્યો હતો. ગ્રામજનોનું કહેવું છે કે, ‘પેપર મિલમાંથી નીકળતી વાસ એટલી ખરાબ છે કે શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે.
મહેસાણા જિલ્લાના સામેત્રા ગામમાં આવેલી પેપર મિલથીમાંથી નીકળતી દુર્ગંધથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ પરિસ્થિતિએ ગ્રામજનોને એટલા પરેશાન કરી દીધા છે કે તેઓએ કલેક્ટર કચેરીમાં ધરણા કરીને ન્યાયની માંગ કરી હતી અને કલેક્ટરને એક આવેદનપત્ર પણ સુપરત કર્યું હતું. જેમાં ગ્રામજનોએ આ પેપર મિલ સામે કડક કાર્યવાહી કરવાની અને તેમને અસહ્ય દુર્ગંધથી મુક્તિ અપાવવાની માંગ કરી છે. તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતા આજે ગુરૂવારે ગ્રામજનોએ બહુચરાજી હાઈવે ચક્કાજામ કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને કાર્યવાહી હાથ ધરી હતી.
બેચરાજી હાઈવે ચક્કાજામ કરાતા મહેસાણાથી કાઠિયાવાડ અને કચ્છ તરફ જતા વાહનો લાંબા સમય સુધી ટ્રાફિકમાં અટવાયા હતા. પરિસ્થિતિની ગંભીરતાને જોતા પ્રાંત અધિકારી, DYSP અને GPCPના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ગ્રામજનો સાથે મંત્રણા કરી હતી. ગ્રામજનોના આક્રોશ અને માંગણીઓને ધ્યાનમાં રાખીને તંત્રએ તાત્કાલિક નિર્ણય લીધો હતો. જ્યાં સુધી કંપનીમાંથી આવતી દુર્ગંધ સંપૂર્ણપણે બંધ ન થાય ત્યાં સુધી પેપર મિલને હંગામી ધોરણે બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. તંત્ર દ્વારા આ નિર્ણયની જાહેરાત થતાં ગ્રામજનોએ ચક્કાજામ ખુલ્લો કર્યો હતો.