પાકિસ્તાનના પેશાવરમાં સોમવારે સવારે ફેડરલ કોન્સ્ટેબ્યુલેરીના મુખ્યાલય પર આતંકી હુમલો થયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મુખ્યાલયની નજીક સતત ઘણા વિસ્ફોટોની અવાજો સાંભળાતા જ સમગ્ર વિસ્તારને તરત જ ખાલી કરાવવામાં આવ્યો હતો. સુરક્ષા એજન્સીઓએ જણાવ્યું છે કે હુમલામાં સામેલ આત્મઘાતી હુમલાખોરોને માર નાંખવામાં આવ્યા છે. ઘટનામાં પોલીસ દળના ત્રણ જવાન શહીદ થયા છે જ્યારે બે લોકો ઘાયલ થયા છે.
‘દ ડોન’ વેબસાઇટ અનુસાર, હુમલો સવારે લગભગ 8 વાગ્યે સદ્દર–કોહાટ રોડ પર થયો હતો. પ્રથમ આત્મઘાતી હુમલાખોરે મુખ્યાલયના ગેટ પાસે પોતાને ઉડાવી દીધો હતો. ત્યારબાદ ફાયરિંગના અવાજો સંભળાયા હતા. આ દરમિયાન એક બીજો હુમલાખોર મુખ્યાલયમાં ઘુસવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પરંતુ સુરક્ષાબલોએ તેને પણ ઠાર કર્યો. ઘટનાં બાદ સુરક્ષા દળોએ વિસ્તારને કબ્જે લઈ રેસ્ક્યુ ઑપરેશન શરૂ કર્યું હતું.
પેશાવરના સૌથી મોટા સરકારી હોસ્પિટલમાં તાત્કાલિક સેવા (એમરજન્સી) જાહેર કરી દેવામાં આવી છે. હોસ્પિટલના પ્રવક્તાએ જણાવ્યું કે અહીં છ ઘાયલોને લાવવામાં આવ્યા છે અને તમામની હાલત સ્થિર છે. ફેડરલ કોન્સ્ટેબ્યુલેરી પર થયો આ હુમલો અત્યંત સંવેદનશીલ વિસ્તારમાં થયો છે, જ્યાં આસપાસ ભારે ભીડ રહે છે અને સૈનિક છાવણી પણ નજીકમાં છે. આ દળને નાગરિક અર્ધસૈનિક દળ માનવામાં આવે છે અને શેહબાઝ શરીફ સરકારે આ વર્ષે જ તેના નામમાં ફેરફાર કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોથી પાકિસ્તાનમાં આતંકી હુમલાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, ખાસ કરીને ખૈબર પખ્તૂનખ્વા અને બલૂચિસ્તાન પ્રાંતમાં. આ વધતા હુમલાઓનું મુખ્ય કારણ સરકાર અને આતંકી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી) વચ્ચે થયેલું શાંતિ કરાર તૂટી જવું માનવામાં આવે છે.


