
નવી દિલ્હીઃ નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી સંબંધ તંગ ચાલી રહ્યાં છે. દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિને યોજાનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટમાં ભાગ લેવા માટે ચીન જશે. 2020 માં પૂર્વી લદ્દાખના ગાલવાનમાં બંને દેશોની સેનાઓ વચ્ચે થયેલી અથડામણ પછી પીએમ મોદીની ચીનની આ પહેલી મુલાકાત હશે. આ મુલાકાત ભારત અને ચીન દ્વારા દ્વિપક્ષીય સંબંધો સુધારવાના પ્રયાસોને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે.
SCO સમિટ 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર દરમિયાન ચીનમાં યોજાવાની છે. પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ છેલ્લે ઓક્ટોબર 2024 માં રશિયામાં BRICS સમિટ દરમિયાન મળ્યા હતા. ચીનના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 20 થી વધુ દેશોના નેતાઓ અને 10 આંતરરાષ્ટ્રીય સંગઠનોના વડાઓ SCO સમિટ અને સંબંધિત કાર્યક્રમોમાં હાજરી આપશે. ચીનમાં યોજાનારી SCO સમિટમાં ભાગ લેતા પહેલા, પીએમ મોદી જાપાનની મુલાકાત લેશે. પીએમ મોદી 30 ઓગસ્ટના રોજ જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા સાથે વાર્ષિક શિખર સંમેલનમાં હાજરી આપશે. પીએમ મોદી અગાઉ 2019માં ચીનની મુલાકાતે ગયા હતા. વેપાર સહયોગ, આતંકવાદ, પ્રાદેશિક સુરક્ષા અને બહુપક્ષીય સહયોગ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
પીએમ મોદી એવા સમયે ચીનની મુલાકાત લઈ રહ્યા છે જ્યારે અમેરિકા સતત ભારત પર ટેરિફ વધારવાની ધમકી આપી રહ્યું છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે બ્રિક્સ દેશો ડોલરને નબળો પાડી રહ્યા છે.