નવી દિલ્હીઃ ભારતમાં થયેલા મોટા આતંકવાદી હુમલાઓ પાછળ પાકિસ્તાનના પ્રાયોજિત સંગઠનોની સીધી ભૂમિકા હોવાનો ખૂલાસો પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીર (PoK)ના રાષ્ટ્રપતિ ચૌધરી અનવરુલ હકે કર્યો છે. એક વાયરલ થયેલા વીડિયોમાં હકે જણાવ્યું કે, દિલ્હીના લાલ કિલ્લા પાસે 10 નવેમ્બરે થયેલો કાર બ્લાસ્ટ હોય કે એપ્રીલમાં પહેલગામની વેલીમાં 26 નિર્દોષોની હત્યાની ઘટના આ બધું પાકિસ્તાન તરફથી “બદલા” રૂપે કરાયેલા હુમલા હતા.
વિડિયોમાં હક કહે છે કે, લાલ કિલ્લા પાસેનો કાર બ્લાસ્ટ જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલ મોડ્યુલે કર્યો હતો, જેનું ઓપરેશન ફરીદાબાદમાંથી ચલાવવામાં આવતું હતું. આ મોડ્યુલ માસ્ટરમાઈન્ડ ઉમર ઉન નબી હતો, જે ‘વ્હાઇટ કોલર’ નેટવર્ક સાથે જોડાયેલ ડોક્ટરોના ગ્રુપનો ભાગ હતો. આ ડોક્ટરોએ પોતાનાં મેડિકલ ક્રેડેંશિયલ્સનો દુરૂપયોગ કરીને કેમિકલ અને વિસ્ફોટક સામગ્રી મેળવવામાં મદદ કરી હોવાનો આરોપ સામેથી આવ્યો છે. તપાસ મુજબ આ નેટવર્ક લાંબા સમયથી ભારતમાં મોટા હુમલાની પ્લાનિંગ કરતું આવ્યું હતું.
પહેલગામમાં થયેલા નિર્દયી હુમલાનો ઉલ્લેખ કરતાં હકે કહ્યું કે બલૂચિસ્તાનમાં ભારતની “દરમિયાનગીરી”ના બદલા સ્વરૂપે પાકિસ્તાન ભારતીય શહેરોમાં હુમલા કરી રહ્યું છે. આ સાથે જ હકે ગર્ભીત ધમકી આપતા કહ્યું કે, “ભારત કદાચ હજી સુધી બધા મૃતદેહોની ગણતરી પણ ના કરી શક્યું હોય.” તેમનું આ નિવેદન પાકિસ્તાન તરફથી ભારતને નિશાન બનાવવાના કૃત્ય પર કરાયેલું અત્યાર સુધીનું સૌથી ખુલ્લું અને ગંભીર માનવામાં આવી રહ્યું છે.


