1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. મેટ્રો સ્ટેશન પર કેબલોની ચોરી કરતી ખેકડા ગેન્ગના 4 શખસોને પોલીસે દબાચી લીધી
મેટ્રો સ્ટેશન પર કેબલોની ચોરી કરતી ખેકડા ગેન્ગના 4 શખસોને પોલીસે દબાચી લીધી

મેટ્રો સ્ટેશન પર કેબલોની ચોરી કરતી ખેકડા ગેન્ગના 4 શખસોને પોલીસે દબાચી લીધી

0
Social Share
  • ઝાડ પર ચડીને કટરથી કેબલ કાપતા હતા,
  • કોપરના વાયરો અલગ કરીને પાર્સલ બનાવી ટ્રેનથી દિલ્હી મોકલતા હતા,
  • ચોરીનો માલ રાખવા માટે આરોપીઓએ ભાડાનું મકાન રાખ્યુ હતું

અમદાવાદઃ શહેરમાં થોડા દિવસ પહેલા મેટ્રો સ્ટેશનના કેબલની ચારી થઈ હતી. ત્યારબાદ આવો જ બનાવ ગાંધીનગરમાં બન્યો હતો, અને ફરીવાર કેબલ ચોરીનો બનાવ બન્યો હતો. આ બન્ને બનાવો બાદ પોલીસે સીસીટીવીના કૂટેજ મેળવીને સઘન તપાસ હાથ ધરી હતી. અને બાતમીદારોને પણ કામે લગાડ્યા હતા. દરમિયાન ગાંધીનગર એલસીબીએ કેબલચોરી કરતા દિલ્હીની ખેંકડા ગેન્ગના 4 શખસોને દબોચી લીધી હતી. આ ગેંગના 11 આરોપી ફરાર છે. તેને પકડવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

દેશભરના વિવિધ મહાનગરરોમાં મેટ્રો સ્ટેશનના કેબલોની ચોરી કરતી દિલ્હીની ‘ખેકડા ગેંગ’ના 4 શખસને ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે મુદ્દામાલ સાથે પકડીને કુલ 35 જેટલા ગુના ડિટેક્ટ કર્યા છે. આ ગેંગ મેટ્રો રૂટ પર આવેલા કોઈ ઝાડ પર ચડીને કટરથી કેબલ કાપતા હતા. ત્યારબાદ ભાડાના મકાનમાં મુદ્દામાલ સંતાડી રાખતા હતા. જ્યાં કોપરના વાયરો અલગ કરી એનું પેકિંગ કરી ટ્રેનથી દિલ્હી સપ્લાય કરતા હતા. હજુ આ ગેંગના 11 આરોપી ફરાર છે.

ગાંધીનગરમાં ઇન્ફોસિટી પો.સ્ટે. વિસ્તારના જૂના કોબા મેટ્રો સ્ટેશન પાસે મેટ્રોલાઈન ઉપર કેબલચોરીનો બનાવ તાજેતરમાં બન્યો હતો. ગત તા.02/06/2025ના રોજ આઇ.પી.એલ. મેચ દરમિયાન મોડીરાત્રિના 2થી 3 વાગ્યાના સમયગાળા દરમિયાન કોબા સર્કલ પાસે આવેલા જૂના કોબા મેટ્રો સ્ટેશન નજીક કોઈ અજાણ્યા ઈસમોએ 700 મીટર કેબલ, જેની કિંમત રૂપિયા 17,85,000/-ને કટર વડે કાપી ચોરી કરીને લઇ ગયા હતા.

આ ઘટનાને પગલે પોલીસ અધિક્ષક રવિતેજા વાસમસેટ્ટીએ પોતે ગુનાવાળી જગ્યાએ આવી સત્વરે ગુનાનો ભેદ ઉકેલાય એ અંગે પો.ઇન્સ.એલ.સી.બી-1 ડી.બી.વાળા તેમજ પો.ઇન્સ. એલ.સી.બી.-2 એચ.પી.પરમારને સૂચના આપી હતી. એ અનુસંધાને અલગ-અલગ અધિકારીઓની ચાર ટીમની રચના કરવામાં આવી હતી. ગાંધીનગરમાં લગાવેલા સી.સી.ટી.વી. કેમેરાઓ ચેક કરાયા હતા તેમજ ટેક્નિકલ એનાલિસિસના આધારે બનાવ સમયે બે શંકાસ્પદ ગાડી ધ્યાનમાં આવતાં વાહનમાલિકની ઓળખ કરી પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં આરોપીઓની ઓળખ મળી હતી. જે આધારે ટેક્નિકલ સર્વેલન્સ કરી તેમજ ખાનગી બાતમીદાર દ્વારા જાણવા મળ્યું કે આ બનાવમાં સંડોવાયેલા આરોપીઓએ ચોરીનો મુદ્દામાલ છુપાવવા કલોલ ખાતે એક મકાન ભાડેથી રાખ્યું છે. એ મકાનમાં જૂના કોબા મેટ્રો સ્ટેશન પાસે થયેલી મેટ્રો કેબલચોરીનો મુદ્દામાલ હાલ ત્યાં રાખ્યો હતો અને આ મુદ્દામાલ સગેવગે કરવા માટે આરોપીઓ મકાન પર હાજર હોવાની માહિતી મળી હતી. એ આધારે કલોલ ખાતે પોલીસે તપાસ કરતાં ચાર ઈસમો મળ્યા હતા. પોલીસે મુશરફ ઈરશાદ મુલેજાટ, રાશિદ ઈશાક ઈસ્માઈલ ધોબી, રાશિદ અબ્દુલ અઝીઝ શબ્બીર અંસારી અને ઇરશાદ મજીદ અલ્લામેહર મલિકને ઝડપી પાડ્યા હતા.

આ તમામ ઈસમોએ ચોરીમાં ગયેલા મુદ્દામાલના કેબલ છોલીને અલગ-અલગ ટુકડા કરી નાખ્યા હતા. જે કોપર વાયર કુલ 368.790 કિ.ગ્રા., જે કોપર વાયરની 1 કિ.ગ્રા.ની કિ.રૂ.800- લેખે કુલ કિ.રૂ. 2,95,032/- તેમજ પ્લાસ્ટિકના કવરના ટુકડાઓનું વજન 130.210 કિ.ગ્રા. છે જે 1 કિ.ગ્રા. પ્લાસ્ટિકના ટુકડાની કિ.રૂ.10/- લેખે કુલ કિ.રૂ. 1302/- મળી કુલ મેટ્રો કેબલના મુદ્દામાલની કિ.રૂ. 2,96,334/-તેમજ અન્ય મુદ્દામાલ કિયા કેરેન્સ ગાડી, મોબાઇલ ફોન વગેરે મળી કુલ કિ.રૂ.8,32,644/-નો મુદ્દામાલ મળ્યો હતો એને પોલીસે જપ્ત કર્યો છે. આ ચાર ઇસમે જૂના કોબા મેટ્રો સ્ટેશન ખાતે થયેલી ચોરીની કબૂલાત આપી હતી, જેથી તેઓ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 35(1)(ઇ), 106(1) મુજબ કાર્યવાહી કરી વધુ તપાસ એલ.સી.બી-1 ખાતે ચલાવવામાં આવી હતી.

પોલીસે કરેલી પૂછતાછમાં આરોપીઓએ એવી કબુલાત કરી હતી કે,  15 જેટલા શખસે સાથે મળીને મેટ્રો કેબલચોરીના ગુનાને અંજામ આપ્યો હતો. ભૂતકાળમાં અમદાવાદ-ગાંધીનગર મેટ્રોના રૂટ ઉપર રેકી કરી હોવાની પણ કબૂલાત આપી છે. ગત તા.22/05/2025ના રોજ વહેલી સવારે અમદાવાદ શહેરના શાહપુર મેટ્રો સ્ટેશન નજીકથી પણ મેટ્રો કેબલની ચોરી થઈ હતી, જેમાં આ ગેંગની જ સંડોવણી હોવાનું ખૂલ્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code