કાંકરિયા કાર્નિવેલમાં વિખુટા પડેલા 52 બાળકોને શોધી પરિવાર સાથે પોલીસે મિલન કરાવ્યું
અમદાવાદ, 28 ડિસેમ્બર 2025: 52 children who went missing at Kankaria Carnival found and handed over to their families શહેરના કાંકરિયા ખાતે કાર્નિવલ 2025નો રંગેચંગે પ્રારંભ થયા બાદ કાર્નિવલની મોજ માણવા માટે જન મેદની ઉમટી પડી છે. 31મી ડિસેમ્બર સુધી ચાલનારા આ રંગારંગ કાર્યક્રમમાં સવારથી મોડી રાત સુધી જનમેદની ઉમટી પડતી હોવાથી પોલીસ તંત્ર પણ કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે એલર્ટ છે. શરૂઆતના માત્ર ત્રણ જ દિવસમાં 52 જેટલા બાળકો ભીડમાં પોતાના પરિવારથી વિખૂટા પડી ગયા હતા. જોકે, અમદાવાદ પોલીસની સતર્કતા અને હાઈટેક સર્વેલન્સને કારણે ગણતરીના કલાકોમાં જ આ તમામ બાળકોને શોધી કાઢી તેમના માતા-પિતા સાથે મિલન કરાવવામાં આવ્યું હતું.
કાંકરિયા કર્નિવેલમાં 6 અત્યાધુનિક ડ્રોન અને 3 હાઈ-ટેક કંટ્રોલ રૂમ દ્વારા થઈ રહેલા મોનિટરિંગને પગલે બાળકો જ નહીં, પરંતુ ખોવાયેલા કિંમતી વસ્તુ પણ મુલાકાતીઓને પરત અપાવવામાં આવી છે. એએમસી અને પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને ભારે ભીડમાં પોતાના બાળકો અને કિંમતી ચીજવસ્તુઓનું ખાસ ધ્યાન રાખવા અપીલ કરી છે. કાંકરિયા કાર્નિવલમાં રોજના 50 હજારથી વધારે લોકો આવી રહ્યા છે. જેમાં 25 ડિસેમ્બરથી લઈને 27 ડિસેમ્બર સુધીના 3 દિવસમાં કાંકરિયા કાર્નિવલ ખાતે કુલ 52 જેટલા બાળકો વિખૂટા પડી ગયા હતા. ત્યારે માતા-પિતા દ્વારા કાંકરિયા કાર્નિવલ ખાતે શરૂ કરવામાં આવેલા પોલીસ કંટ્રોલરૂમમાં પોતાનું બાળક વિખૂટું પડી ગયું હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. જેના પગલે કાંકરિયા પરિસર ખાતે હાજર મિસિંગ સેલના અને અન્ય પોલીસકર્મીઓ અને સીસીટીવી કેમેરાની મદદથી વિખૂટા થયેલા બાળકોને શોધીને તેના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ કાંકરિયા કાર્નિવલમાં ડ્રોન અને સીસીટીવી કેમેરાની મદદ લેવામાં આવતી હોય છે. કાંકરિયા કાર્નિવલમાં કેટલાક લોકોની કિંમતી ચીજ વસ્તુઓ પણ ખોવાઈ ગઈ હતી. પોલીસની સતર્કતાને કારણે ભીડમાં ખોવાયેલા 1 કિંમતી આઇફોન અને 2 પર્સ (જેમાં રોકડ રકમ અને મહત્વના દસ્તાવેજો હતા) મળી આવ્યા હતા. પોલીસે તેના અસલ માલિકોની શોધખોળ કરી અને ખાતરી કર્યા બાદ આ સામાન પરત સોંપ્યો હતો. કાર્નિવેલમાં શહેર પોલીસની ઝોન 6ની પોલીસ અને મણીનગર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આખા પરિસરમાં ઠેર-ઠેર પોલીસ કર્મચારીઓ અને સહાયતા કેન્દ્ર મુકવામાં આવ્યા છે. 6 અત્યાધુનિક ડ્રોનથી આકાશમાંથી 350 ડિગ્રી સર્વેલન્સ દ્વારા ભીડ પર સતત બાજ નજર રાખવામાં આવી રહી છે. 3 હાઇ-ટેક કંટ્રોલ રૂમ: CCTV કેમેરા નેટવર્ક દ્વારા સમગ્ર વિસ્તારનું સતત મોનિટરિંગ થાય છે. મુલાકાતીઓની ત્વરિત મદદ માટે 24 કલાક પોલીસ સહાયતા કેન્દ્ર કાર્યરત કરાયું છે. મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે સાદા ડ્રેસમાં 11 શી ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ કાંકરિયા પરિસરમાં કરવામાં આવે છે. જ્યારે વિખૂટા પડેલા બાળકો અને વ્યક્તિઓને તાત્કાલિક શોધવા માટે ખાસ બે સમર્પિત ટીમોની રચના કરી છે. જે ખૂબ જ ભીડમાં નાના બાળકો પરિવારથી વિખૂટા થઈ જતા હોય છે. તેને પોલીસ દ્વારા શોધીને તેના માતા-પિતાને પરત આપવામાં મદદ કરે છે.


