
- મોટાભાગના આદિવાસી શ્રમિકો પોતાના માદરે વતન જતાં ખેતી કામને અસર
- ગરમીમાં વધારો થતાં બટાકાના પાકને નુકશાન થવાની ભીતી
- હજુ 30 ટકા બટાકાનો પાક ખેતરોમાં પડ્યો છે
મહેસાણા: ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા બાદ મહેસાણા અને સાબરકાંઠામાં પણ બટાકાનું વાવેતર વધ્યુ છે. જેમાં મહેસાણા જિલ્લાના વિજાપુર અને સાબરકાંઠા જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં બટાકાનું વાવેતર મોટા પાયે થાય છે. છેલ્લા 10 દિવસથી બટાકા ખોદવાનું શરૂ થયું હતુ, પણ હોળી, ધુળેટીનો તહેવાર નજીક આવતા મોટાભાગના આદિવાસી શ્રમિકો પોતાના માદરે વતન જતા શ્રમિકોના અભાવે ખેતીનું કામ અટકી પડ્યું છે. ઘણાબધા ખેડૂતોના બટાકા હજુ પણ ખેતરોમાં જ છે. તહેવાર પછી નવા મજૂરો મળવા પણ મુશ્કેલ બન્યા છે. આ ઉપરાંત, કોલ્ડ સ્ટોરેજ હાઉસ ભરાઈ જવાના કારણે પણ ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
મહેસાણાના વિજાપુર તાલુકાના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે કારણ કે આ વર્ષે બટાકાના ભાવમાં ઘટાડો અને સ્ટોરેજ ભાડામાં નોંધપાત્ર વધારો થતા ખેડુતોની હાલત કફોડી બની છે. વિજાપુર તાલુકામાં ખેડૂતો દર વર્ષે મોટા પાયે બટાકાનું વાવેતર કરે છે, પરંતુ આ વર્ષે સરેરાશ ભાવ ઓછો મળી રહ્યો છે. ઉપરાંત, હજુ પણ 25 થી 30 ટકા જેટલો પાક જમીનમાં જ છે અને મજૂરની અછતના કારણે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિ સાબરકાંઠામાં પણ જોવા મળી રહી છે. હાલ ઉત્તર ગુજરાતમાં તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. બટાકાના પાકને વધુ ગરમી સહન થતી નથી. આથી બટાકાના પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. ગરમી ઉપરાંત મજૂરોની અછત, કોલ્ડ સ્ટોરેજના વધતા ભાડા અને બટાકાના ઓછા ભાવ પણ ખેડૂતોની ચિંતામાં વધારો કરી રહ્યા છે. આ સમસ્યા માત્ર મહેસાણા પૂરતી સીમિત નથી, બલકે બટાકાનું વાવેતર કરતા અન્ય જિલ્લાઓમાં પણ જોવા મળી રહી છે. ખેતરમાંથી બટાકા કાઢવા માટે મોટાભાગે રાજસ્થાનથી આદિવાસી મજૂરો આવતા હોય છે, પરંતુ તેમની પણ અછત વર્તાઈ રહી છે. હાલ 30 ટકા જેટલા બટાકા હજુ પણ જમીનમાં જ છે.
ખેડુતોના કહેવા મુજબ ગયા વર્ષે બટાકાના સારા ભાવ મળવાને કારણે આ વર્ષે ખેડૂતોએ પુષ્કળ વાવેતર કર્યું હતું. ગયા વર્ષે 20 કિલો બટાકાના ભાવ 200 થી 250 રૂપિયા હતા, જે આ વર્ષે ઘટીને 150 થી 200 રૂપિયા થઈ ગયા છે. ભાવમાં આવેલા આ તફાવતને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.