
રાજકોટ-જેતપુર હાઈવે પર ખાડારાજ, ટોલ વસુલાત સામે ભારે વિરોધ, કોંગ્રેસે કર્યો ચક્કાજામ
- કલેકટરે સંબંધિત વિભાગના અધિકારીઓને સુચના આપવા છતાંયે ખાડા પૂરાતા નથી,
- કોંગ્રેસના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યો, રોડ નહીં કો ટોલ નહીં,
- રાજકોટ જિલ્લા કલેક્ટર ઓફિસનો ઘેરાવ કરી વિરોધ કરાયો
રાજકોટઃ ચોમાસામાં નેશનલ અને રાજ્ય ઘોરીમાર્ગોની હાલત કથળી છે. ઠેર ઠેર ખાડાઓ અને કેટલાક બ્રિજ બંધ કરાતા અપાયેલા ડાયવર્ઝનોને લીધે વાહનચાલકોની હાલત કફોડી બની છે. ત્યારે છેલ્લા એક વર્ષથી રાજકોટ-જેતપુર સિક્સલેન હાઇવેની નિર્માણ કામગીરીથી વાહનચાલકો ત્રાહીમામ પોકારી ગયા છે. જોકે અગાઉ આ મુદ્દે આંદોલન કરાતા રાજકોટ કલેક્ટર દ્વારા સબંધિત વિભાગના અધિકારીઓને સાથે રાખી આ હાઇવેની કામગીરીનું નિરીક્ષણ કરી વાહનચાલકોને પડતી મુશ્કેલીઓ અંગે સમીક્ષા કરીને વાહનચાલકોને યોગ્ય નિરાકરણની ખાતરી આપી હતી પરંતુ સમસ્યાનો કોઈ ઉકેલ આજે પણ જોવા નથી મળી રહ્યો. હાઈવે પર ઠેર ઠેર ખાડાઓ પડ્યા છે. ત્યારે કોંગ્રેસની આગેવાનીમાં હક્ક સમિતિએ ચક્કાજામ કરી વિરોધ દર્શાવી ઘોર નિદ્રામાં સૂતેલા તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. દરરોજ કલાકોના ટ્રાફિક જામ, જીવલેણ અકસ્માતો અને બિનકાયદેસર વસૂલાતા ટોલ સામે વિરોધ કરીને “રોડ નહીં તો ટોલ નહીં નો સૂત્રોચ્ચાર કર્યો હતો.
હાઇવે હક્ક સમિતિના સભ્યોએ જણાવ્યું હતું કે રાજકોટ-જેતપુર હાઈવેના મુદ્દે વારંવાર રજૂઆતો અને વિરોધ કરવા છતા પ્રશાસન નિષ્ક્રિય છે. હવે વાતો કે બેઠકો નહીં પરિણામ જોઈએ. આજે હાઇવે ચક્કાજામ સાથેનો વિરોધ તે લાખો વાહનચાલકોનો આક્રોશ છે જે અમે ઠાલવ્યો છે કારણ કે હવે ધીરજની સીમા ખૂટી ગઈ છે. જનહિત હાઇવે હક્ક આંદોલન સમિતિ દ્વારા આ તમામ મુદે નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી બાદમા આ જ મુદ્દે રાજકોટ જિલ્લા કલેક્ટર ઓફિસનો ઘેરાવ કરી વિરોધ નોંધાવ્યો હતો જેમાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, લાલજી દેસાઇ, પાલ આંબલિયા સહિત રાજકોટ શહેર કોંગ્રેસના અનેક મોટા નેતાઓ જોડાયા હતા.
સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, ગુજરાતના પ્રવાસે આવેલા મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રીય મત્રી શિવરાજસિંહ ચૌહાણને પણ આ હાઇવે પર ટ્રાફિક અને બિસ્માર રસ્તાનો કડવો અનુભવ થતા એક જાહેર કાર્યક્રમમા માર્મિક ટકોર કરી ટિપ્પણી કરી હતી જે રાજકોટના નેતાઓને અને તંત્ર માટે શરમજનક બાબત કહી શકાય. આ હાઇવે પર કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા, અનેક સાંસદો તેમજ ધારાસભ્યોનો પસાર થાય છે. ત્યારે તે આ મુદ્દે કેમ કઈ બોલતા નથી તે મોટો સવાલ છે.
તેમને વધુમાં જણાવ્યું હતું કે, વાહનચાલકોને પડતી મુશ્કેલીઓ મામલે સબંધિત વિભાગોને રજૂઆત કરીને સમસ્યાઓના યોગ્ય નિરાકરણ માટે પૂરતો સમય પણ આપ્યો તેમ છતાં હજુ સુધી વાહનચાલકોને પડતી હાલાકી મામલે યોગ્ય નિરાકરણ થયું નથી અને જે બિનકાયદેસર ટોલ ટેક્સ વસૂલી રહ્યા છે તેવા આ પ્રોજેક્ટના ડાયરેક્ટર રાજકોટ કલેક્ટર તંત્રને ઊંધા કાન પકડાવી રહ્યા છે. જેને લીધે માત્ર 25% ટોલ ફી માફીની લોલીપોપ આપવામા આવી છે તે કદાપિ સ્વીકાર્ય નથી. નેશનલ હાઇવે ઓથોરિટી જો જામનગર-અમૃતસર ભારતમાલા હાઇવે પર બિસ્માર રસ્તાને લઈ ટોલ વસુલાત સ્થગિત કરે તો આ હાઇવે પર શા માટે ટોલ ટેક્સ ઉઘરાવામા આવી રહ્યો છે? રાજકોટ-જેતપુર હાઇવે જેવો ગુજરાતમાં એક પણ ખરાબ હાઇવેની સ્થિતિ નહીં હોય તેમ છતાં ફોરલેન હાઇવેની વાહનચાલકો પાસેથી ટોલ વસૂલાત સંપૂર્ણ અયોગ્ય અને બિનકાયદેસર છે જેથી અમારી માંગ છે કે જ્યાં સુધી હાઇવેની કામગીરી પૂર્ણ ના થાય ત્યાં સુધી બંને ટોલપ્લાઝાઓ બંધ કરી દેવા જોઈએ.