સપ્ટેમ્બરમાં નવી દિલ્હીમાં બ્રિક્સ શિખર બેઠક માટે તૈયારીઓ શરૂ
નવી દિલ્હી, 3 ઓગસ્ટ, 2026 – ભારત તેની બ્રિક્સ (BRICS) અધ્યક્ષતા હેઠળ 12–13 સપ્ટેમ્બર, 2026ના રોજ નવી દિલ્હીમાં 18મી બ્રિક્સ સમિટની યજમાની કરશે. રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને તેમની ઉપસ્થિતિના સમચારને સમર્થન આપ્યું છે. આ ઉપરાંત ચીનના પ્રમુખ શી જિનપિંગ ઉપસ્થિત રહે તેવી અપેક્ષા છે. જોકે ચીને હજુ સુધી આ મુલાકાતની વાતને સત્તાવાર સમર્થન આપ્યું નથી.
બ્રિક્સ શિખર બેઠક માટે જો શી જિનપિંગ ભારતનો પ્રવાસ કરશે તો 2020ના સીમા વિવાદ પછીના વણસેલા સંબંધો બાદ 2019 પછીની આ તેમની પ્રથમ ભારત મુલાકાત હશે. આ સમિટ વૈશ્વિક વેપાર, આર્થિક સહયોગ, પ્રાદેશિક સુરક્ષા અને ગ્લોબલ સાઉથ પર ધ્યાન કેન્દ્રિત કરે તેવી શક્યતા છે. તાજેતરના વર્ષોમાં ભારતના સૌથી મોટા રાજદ્વારી કાર્યક્રમોમાંથી એક એવી આ સમિટ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, શી જિનપિંગ અને વ્લાદિમીર પુતિન વચ્ચેની સંભવિત બેઠક પણ નોંધપાત્ર આંતરરાષ્ટ્રીય ધ્યાન આકર્ષિત કરે તેવી ધારણા છે.
ભારતમાં બ્રિક્સ (BRICS) બેઠકનો મુખ્ય એજન્ડા:
મુખ્ય ચર્ચા: સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDCs) ને એકબીજા સાથે જોડવી.
ડિજિટલ કરન્સીનું જોડાણ (CBDC બ્રિજ): રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ 2026 બ્રિક્સ સમિટના એજન્ડામાં CBDC ઇન્ટરકનેક્શન ફ્રેમવર્કનો સમાવેશ કરવાની સત્તાવાર દરખાસ્ત કરી છે.
સીધું સેટલમેન્ટ (Direct Settlement): પશ્ચિમી કોરેસ્પોન્ડિંગ બેંકો અને SWIFT નેટવર્ક દ્વારા ચૂકવણીઓ મોકલવાને બદલે, સભ્ય દેશો પોતાની સ્વતંત્ર ડિજિટલ કરન્સીને (જેમ કે ભારતનો e-rupee અને ચીનનો digital yuan) સીધી રીતે જોડશે.
ડૉલરને બાયપાસ કરવો (Bypassing the Dollar): આ નેટવર્ક એક વિકેન્દ્રીકૃત ડિજિટલ હાઈવે તરીકે કામ કરશે, જેનાથી એક સભ્ય દેશનો વેપારી પોતાની સાર્વભૌમ કરન્સીનો ઉપયોગ કરીને બીજા સભ્ય દેશના સપ્લાયરને સરળતાથી ચુકવણી કરી શકશે.
ચાલુ વર્ષે ભારતના બ્રિક્સના અધ્યક્ષપદ હેઠળ આ ઉચ્ચસ્તરીય બેઠકની તૈયારીઓ ઝડપી બની છે, ત્યારે ભારતે 12-13 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હી ખાતે યોજાનારી 18મી બ્રિક્સ (BRICS) સમિટમાં ભાગ લેવા માટે રશિયાને સત્તાવાર રીતે આમંત્રણ આપ્યું છે. રશિયન સમાચાર એજન્સી TASS ના સરકારી સ્ત્રોતને ટાંકીને જણાવ્યા અનુસાર, નવી દિલ્હીએ મોસ્કોને આમંત્રણ મોકલી દીધું છે.
આ અગાઉ શુક્રવારે વિદેશ મંત્રાલય (MEA) એ પુષ્ટિ કરી હતી કે સમિટ માટેની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. નવી દિલ્હીમાં સાપ્તાહિક મીડિયા બ્રીફિંગને સંબોધતા, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, વર્તમાન બ્રિક્સ અધ્યક્ષ તરીકે ભારત આ સમિટનું આયોજન કરવા માટે વ્યાપક વ્યવસ્થા કરી રહ્યું છે.
જયસ્વાલે કહ્યું, “અમે ભારતમાં બ્રિક્સ સમિટ યોજવા માટે કામ કરી રહ્યા છીએ. આપણે બ્રિક્સ સમિટના અધ્યક્ષ છીએ અને સંપૂર્ણ તૈયારીઓ સાથે સમિટની યજમાની કરવાની તૈયારીઓ કરી રહ્યા છીએ.”
એક અહેવાલ અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશના દેશના પ્રધાનમંત્રી તારીક રહેમાનને સમિટના આઉટરીચ વિભાગમાં ભાગ લેવા માટે આમંત્રિત કર્યા છે. આ અહેવાલને બાંગ્લાદેશે સમર્થન આપ્યું હતું. બાંગ્લાદેશ વિદેશ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ આમંત્રણ મળ્યું છે અને વિચારણા માટે પ્રધાનમંત્રી કાર્યાલયને મોકલી દેવામાં આવ્યું છે.


