
- સ્ટેશનરી એસોસિએશને સ્કૂલો સામે મોરચો ખોલ્યો
- કેટલાક પુસ્તક વિક્રેતાઓ ખાનગી શાળાઓને તગડુ કમિશન આપે છે
- સ્ટેશનરી એસોએ DEO અને કલેક્ટરને કરી રજુઆત
રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ખાનગી શાળાઓના સંચાલકો ચોક્કસ ખાનગી વિક્રેતાઓને ત્યાંથી પુસ્તકો અને સ્ટેશનરીની ખરીદી કરવા વાલીઓને ફરજ પાડી રહ્યા છે. એનો વિરોધ ઊઠ્યો છે. સ્ટેશનરી એસોએ રાજકોટના ઝિલ્લા શિક્ષણાધિકારી તેમજ કલેકટરને શાળાઓની નામજોગ ફરિયાદ કરી છે. સ્ટેશનરી એસોસિએશને આક્ષેપ કર્યો છે કે, વાલીઓને જે ડિસ્કાઉન્ટ મળવું જોઈએ તે સ્કૂલ દ્વારા અપાતું નથી અને સ્ટેશનરીના વેપારીના ધંધા પર પણ અસર થાય છે. સ્ટેશનરની એસોસિએશનના મતે એક વિદ્યાર્થી દિઠ વાલીએ અંદાજિત 600 રૂપિયા વધુ ચૂકવવા પડી રહ્યા છે.
ગુજરાતમાં ‘RTE એક્ટ 2009 હેઠળ ખાનગી શાળા પુસ્તકોનું વેચાણ ન કરી શકે એવો નિયમ હોવા છતાંયે ખાનગી શાળાઓ દ્વારા ચોક્કસ દૂકાનો પરથી પુસ્તકો અને સ્ટેશનરીની ખરીદી કરવા વાલીઓને ફરજ પાડવામાં આવી રહી છે. સ્ટેશનરી એસોના કહેવા મુજબ એસોસિએશન હેઠળ નોંધાયેલા રાજકોટમાં 500 તો સૌરાષ્ટ્રમાં 5000 જેટલા વેપારીઓ છે. સૌપ્રથમ તો RTE એક્ટ 2009 મુજબ ખાનગી શાળાઓ કોઈપણ પ્રકારના પુસ્તકોનું વેચાણ કરી શકતી નથી કે ચોક્કસ દુકાનેથી પુસ્તકો ખરીદવા માટે વિદ્યાર્થીઓને દબાણ કરી શકતી નથી. હાલ રીટેઇલ અને હોલસેલ સ્ટેશનરીની દુકાનેથી મળતી સ્ટેશનરી કરતા ચોક્કસ દુકાનોએ 20 ટકા ઊંચા ભાવે વેચાણ કરવામાં આવે છે. આ ઉપરાંત સ્કુલ બેગ અને યુનિફોર્મ પણ શાળા દ્વારા કહેવામાં આવે તે દુકાનેથી વિદ્યાર્થીઓને ખરીદવા પડે છે. જેનાથી સ્ટેશનરીના વેપારીઓને દર વર્ષે 40 ટકા જેટલું નુકસાન થાય છે.
આ ઉપરાંત રાજકોટ શહેરમાં 12 જેટલી શાળાઓનો શહેરના નાનામવા મેઈન રોડ ઉપર એજ્યુકેશન મોલમાં આવેલી છે. જ્યાં વિદ્યાર્થીઓને વાલીઓને ઊંચા ભાવે સ્ટેશનરી, સ્કુલ બેગ, યુનિફોર્મ, શૂઝનું વેચાણ કરવામાં આવે છે. જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓ લૂંટાઈ રહ્યા છે જેથી આ બાબતે શિક્ષણ વિભાગ દ્વારા કડક પગલાં લેવામાં આવે તે જરૂરી છે. આ બાબતે એસોસિએશન દ્વારા શિક્ષણ મંત્રી, મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી સુધી પોતાની લેખિત રજૂઆત પહોંચાડી છે.
સૌરાષ્ટ્રના ધ સ્ટેશનરી ડિસ્ટ્રીબ્યુશન એસોસિએશનના પ્રમુખના કહેવા મુજબ ખાનગી શાળાઓ દ્વારા ડાયરેક્ટ ખાનગી પ્રકાશનના પુસ્તકો, સ્વાધ્યાયપોથીઓ, સ્ટેશનરી સહિતની ચીજવસ્તુઓ આપી દેવામાં આવે છે. રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત કોઈપણ શાળા વિદ્યાર્થીઓને ડાયરેક પુસ્તકો આપી શકતી નથી. શાળાઓ ચોક્કસ દુકાનનું નામ આપી ત્યાંથી ખરીદી કરવા માટે વિદ્યાર્થીઓને દબાણ કરી શકતી નથી. હાલમાં શાળાઓ અને ખાનગી પ્રકાશનોની મિલીભગતથી પુસ્તકની અંદર મટીરીયલ એક સરખું જ હોય પરંતુ ઉપરનું ટાઇટલ બદલવામાં આવ્યું હોય અને તેના બમણા ભાવ વસૂલવામાં આવે છે. શાળાઓ પોતે કોઈપણ પ્રકારની પુસ્તકોનું વેચાણ કરી શકતી નથી. જોકે હાલ શાળાઓ દ્વારા ચોક્કસ દુકાનમાંથી પાઠ્યપુસ્તકો સહિતની ચીજ વસ્તુઓ લેવા માટે દબાણ કરવામાં આવે છે અને તેનાથી રાજકોટના 500 સહિત સૌરાષ્ટ્રના 5000 જેટલા વેપારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.