
- હાઈવે પર દર 20થી 25 મીટરે ખાડાથી વાહનચાલકો પરેશાન,
- હાઈવે પર ઊંડા ખાડાઓને લીધે અકસ્માતોના બનાવો પણ બની રહ્યા છે,
- લાખો રૂપિયાનો ટોલ વસુલવા છતાંયે હાઈવે પરના ખાડા પુરાતા નથી
ભુજઃ ચોમાસામાં વરસાદને લીધે રાજ્યભરના રોડ-રસ્તાઓની હાલત કથળી છે, ત્યારે ભૂજ-નખત્રાણા નેશનલ હાઈવે પર ઠેર ઠેર ખાડાં પડ્યા છે. ભૂજથી નખત્રાણા સુધીનો માર્ગ રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે નોંધાયેલો હોવા છતાં હાલ તેની દશા એવી બિસ્માર છે કે દર 20થી 25 મિટરે ખાડા આવી રહ્યા છે. હાઈવે પર ઠેર ઠેર ખાંડા પડ્યા હોવા છતાં ઉઘરાવાતા ટોલ ટેક્સ સામે વાહન ચાલકોમાં નારાજગી જોવા મળી રહી છે. કેટલાક ખાડા તો એવા ઊંડા છે કે થોડી ગાફેલીયત મોટા અકસ્માતમાં ફેરવાઈ શકે છે. વરસાદી દિવસોમાં ખાડામાં પાણી ભરાતાં ઘાતક બની રહ્યા છે.
ભૂજ-નખત્રાણા નેશનલ હાઈવે પર પ્રથમ વરસાદમાં ઠેર ઠેર ખાડાં પડી ગયા છે. હાઈવે એટલો બધો કંડમ બની ગયો છે. કે, વાહનચાલકો ત્રાસી ગયા છે. દરરોજ હજારો વાહનો આ માર્ગ પરથી પસાર થાય છે અને ટોલટેક્સ ચુકવે છે. ટેક્સના રૂપિયા સરકારી ખજાનામાં જાય છે, છતાં રસ્તો ખરાબ કેમ?તેવા સવાલ વાહન ચાલકો કરી રહ્યા છે. ટ્રાન્સપોર્ટરોના કહેવા મુજબ વરસાદના લીધે ખખડધજ બનેલા રસ્તાથી વાહન ચાલકો ત્રાહીમામ પોકારી રહ્યા છે. વાહનના પટ્ટા અને ટાયરને મોટું નુકશાન થઈ રહ્યું છે. ટ્રકોના ટાયર ફાટી જાય છે જે બદલાવા 25 હજાર જેટલો એક ટાયરનો ખર્ચો થાય છે તેવી જ રીતે ડીઝલ પણ વધુ જોઇએ છે. રસ્તો સારો હોય તો ભુજથી નખત્રાણા 50 કિમીમાં 20 લિટરની ખપત રહે છે તેની સામે અત્યારે 30 લિટરની જરૂર પડે છે. સાથે સાથે સમય પણ બહુ લાગે છે. જે ટ્રકો અગાઉ દોઢ કલાકમાં પહોંચતી તેને હાલે અઢી કલાક જેટલો સમય લાગે છે. આ માર્ગની તાત્કાલિક મરામત નહીં કરાય તો ટોલ ટેક્સ મુદ્દે ટ્રાન્સપોર્ટરો સ્થાનિક લોકોનો સહયોગ મેળવીને લડત આપશે.