
- ઉમેદવોરે કાયમી ભરતીની કરવામાં ન આવે ત્યાં સુધી લડત ચાલુ રાખશે
- વ્યાયમ શિક્ષકોની કરાર આધારિત ભરતી સામે વિરોધ
- ગાંધીનગરમાં સેક્ટર-11ના રામકથાના મેદાનમાં ઉમેદવારોએ મોરચો માંડ્યો
ગાંધીનગરઃ રાજ્યમાં શાળાઓમાં ખેલ સહાયકની ભરતીની જાહેરાત કરતા વ્યાયમ શિક્ષકની લાયકાત ધરાવતા ઉમેદવારોમાં રોષ ઉઠ્યો છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા કાયમી વ્યાયમ શિક્ષકોની ભરતી કરવાને બદલે કરાર આધારિત ખેલ સહાયકોની ભરતી કરવામાં આવી રહી છે. આથી કરાર આધારીત ખેલ સહાયકને બદલે અપર પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી કરવાની માંગણી સાથે ઉમેદવારોએ પાટનગર ગાંધીનગરમાં સત્યાગ્રહ શરૂ કર્યો છે.
રાજ્યમાં નવી શિક્ષણ નીતિ અંતર્ગત શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં રમત ગમત સહિતના ક્ષેત્રમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવા માટે ખાસ પ્રવૃત્તિઓ શાળાઓમાં કરાવવામાં આવે છે. ત્યારે હાલમાં શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા સામે વ્યાયામ શિક્ષકો જ નહી હોવાથી શિક્ષણ વિભાગ દ્વારા ખેલ સહાયકની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. શાળાઓમાં ભરતી કરવામાં આવનારા ખેલ સહાયક 11 માસના કરાર આધારીત અને માસિક ફિક્સ વેતનથી બરતી કરવામાં આવી રહી છે. તેથી શાળામાં ખેલ સહાયકની ભરતી કરવાને બદલે કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી કરવામાં આવે તેવી માંગણી સાથે ઉમેદવારોએ ગાંધીનગરમાં ધામા નાંખ્યા છે. વ્યાયામ શિક્ષકની કાયમી ભરતીની માંગણી સાથે અગાઉ વ્યાયામ શિક્ષકોએ સેક્ટર-11 રામ કથા મેદાનમાં ત્યારબાદ બીજા દિવસે સચિવાલયના ગેટની સામે શાળાઓમાં વ્યાયમ શિક્ષકોની કાયમી ભરતીની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કરાયુ હતું.
ગાંધીનગરમાં ઉમેદવારોએ ચાર દિવસના વિરામ પછી ફરીવાર સરકાર સામે મોરચો માંડ્યો છે. શાળાઓમાં વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતીની માંગણી સાથે સેક્ટર-11 રામકથા મેદાનમાં ઉમેદવારો ઉમટી પડ્યા હતા. પરંતું પોલીસની સમજાવટને પગલે ઉમેદવારો સત્યાગ્રહ છાવણી, સેક્ટર-6 ખાતે એકત્રીત થયા હતા. જ્યાં સુધી રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતીની જાહેરાત કરવામાં નહી આવે ત્યાં સુધી લડત આંદોલન ચાલુ રાખવાનો નિર્ધાર વ્યાયામ શિક્ષકની લાયકાત ધરાવતા ઉમેદવારોએ કર્યો છે.