રાજકોટ, 8 જાન્યુઆરી 2026: રાજ્યમાં સરકારી શાળાના શિક્ષકોને શિક્ષણ ઉપરાંત અન્ય કામગીરી સોપાતી હોવાથી બાળકોના ભણતર પર અસર પડી રહી છે. સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (સર)ની કામગીરી શિક્ષકોએ પૂર્ણ કરી ત્યાં જ ફરી રાજકોટ જિલ્લાના શિક્ષકોને 2002ની મતદાર યાદીમાં મેપિંગ ન થયેલા મતદારો શોધવાનું કામ સોંપાતા શિક્ષકોમાં કચવાટ જાગ્યો છે. 2002ની મતદારયાદી સાથે જેમના નામ મેચ થયા નથી, તેમનો લિવિંગ સર્ટિફિકેટનું પુરાવો અગાઉ માન્ય રાખવામાં આવ્યો હતો. પરંતુ, હવે તે માન્ય નહીં રહે એવું જાહેર કરાયું છે અને મતદારોને નોટિસ બાદ રૂબરૂ હાજર કરવા માટેનું દબાણ BLO પર કરવામાં આવે છે. તેની સામે શિક્ષકોએ કલેકટર કચેરીમાં રજુઆત કરીને વિરોધ કર્યો હતો.
ગુજરાતમાં સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન અંતર્ગત રાજકોટ જિલ્લામાં 23.91 લાખ મતદારોની ડ્રાફ્ટ મતદારયાદી જાહેર કરવામાં આવ્યા બાદ હવે વર્ષ 2002ની મતદારયાદીમાં જેમનું નામ મેચ થયું નથી એવા 2,52,512 મતદારોને શોધી રૂબરૂ હાજર કરવાનું દબાણ બુથ લેવલ ઓફિસર પર કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત દરરોજ નવી સૂચનાઓ આપી પરેશાન કરવામાં આવતા હોવાથી BLOની કામગીરીમાં રોકાયેલા રાજકોટની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 600 શિક્ષકો મુશ્કેલીમાં મુકાયા છે, જેને લઈને શિક્ષકો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને તમામ વિધાનસભામાં એકસરખી રીતે સૂચના આપી કામગીરી કરાવવામાં આવે તેવી માંગણી કરી હતી.
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 600 શિક્ષકો SIR અંતર્ગત BLO ની કામગીરીમાં છેલ્લા બે મહિનાથી રોકાયેલા છે, જેના કારણે વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડી રહ્યું છે. જે કામગીરીનો પણ વિરોધ નથી પરંતુ, તેમાં અલગ-અલગ વિધાનસભાવાઈઝ જુદા નિયમોથી સમસ્યા છે. જેમાં 2002ની મતદારયાદી સાથે જેમના નામ મેચ થયા નથી, તેમનો લિવિંગ સર્ટિફિકેટનું પુરાવો અગાઉ માન્ય રાખવામાં આવ્યો હતો. પરંતુ, હવે તે માન્ય નહીં રહે એવું જાહેર કરાયું છે અને મતદારોને નોટિસ બાદ રૂબરૂ હાજર કરવા માટેનું દબાણ BLO પર કરવામાં આવે છે. આ ઉપરાંત મતદારોના ઘરે બીજી વખત ડોક્યુમેન્ટ લેવા માટેનું કહેવામાં આવતા રોષનો ભોગ બુથ લેવલ ઓફિસર બની રહ્યા છે.


