
નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી લોકસભામાં પહેલગામ હુમલા અને ઓપરેશન સિંદૂર પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે, પહેલગામમાં એક ક્રૂર આતંકવાદી હુમલો થયો હતો. અમે બધાએ આ હુમલાની નિંદા કરી હતી. અમે સરકાર અને સેના સાથે ચટ્ટાનની જેમ ઉભા રહ્યા છીએ. બધા પક્ષોએ સરકારને ટેકો આપ્યો હતો. અમને ગર્વ છે કે અમે વિપક્ષની જવાબદારી નિભાવી છે. જે કંઈ થયું તે ખોટું હતું, બધાએ તેની નિંદા કરી હતી.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, ગઈકાલે હું સંરક્ષણ પ્રધાનનું ભાષણ સાંભળી રહ્યો હતો. તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર પછી તરત જ ભારતે પાકિસ્તાનને કહ્યું કે અમે તણાવ વધારવા માંગતા નથી. અમે આતંકવાદીઓના ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. આનો અર્થ એ છે કે અમે માત્ર 30 મિનિટમાં પાકિસ્તાન સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. તેમણે પૂછ્યું કે પાકિસ્તાનને ઓપરેશન સિંદૂર વિશે સીધી માહિતી કેમ આપવામાં આવી?
તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન અમારી સૌથી મોટી ભૂલ એ હતી કે અમે પાકિસ્તાનને કહી રહ્યા હતા કે અમે તમારા લશ્કરી તંત્ર પર હુમલો નહીં કરીએ. ભારત સરકારે અહીં ભૂલ કરી છે. ભારત સરકારની ઇચ્છાશક્તિનો અભાવ જોવા મળ્યો હતો. પાકિસ્તાનના સંરક્ષણ પર હુમલો ન કરવો એ ભૂલ હતી, અમારા કેટલાક જેટ પણ પડી ગયા છે. સરકારે સેનાને હુમલો કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપી ન હતી.
અગાઉ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે રાજકીય કાર્ય કરતી વખતે આપણે આખા દેશમાં જઈએ છીએ. આપણે બધાને મળીએ છીએ. જ્યારે પણ હું સેનાના કોઈ વ્યક્તિ સાથે હાથ મિલાવું છું, ત્યારે મને ખબર પડે છે કે તે સેનાનો માણસ છે. તેને હલાવી શકાતો નથી, તે દેશ માટે ઊભો રહેશે. તે દેશ માટે લડવા અને મરવા માટે તૈયાર છે. વાઘને સંપૂર્ણ સ્વતંત્રતા આપવી પડશે, તેને બાંધી શકાતો નથી.
વિપક્ષી નેતાએ કહ્યું કે જો તમે સેનાનો ઉપયોગ કરવા માંગતા હો, તો સૌ પ્રથમ તમારી પાસે ૧૦૦ ટકા રાજકીય ક્ષમતા હોવી જોઈએ અને બીજું, જો તમે સેનાનો ઉપયોગ કરવા માંગતા હો, તો તમારે સેનાને સંપૂર્ણ સ્વતંત્રતા આપવી જોઈએ. ૧૯૭૧ના યુદ્ધમાં રાજકીય શક્તિ જોવા મળી હતી. તેનું પરિણામ એ આવ્યું કે પાકિસ્તાનના 1 લાખ સૈનિકોએ આત્મસમર્પણ કરવું પડ્યું હતું.