
- સુરત અને દક્ષિણ ગુજરાતના હજારો દૈનિક મુસાફરોને ફાયદો થશે,
- 42 મેલ-એક્સપ્રેસ ટ્રેનોમાં સેકન્ડ ક્લાસ અનરિઝર્વ્ડ કોચમાં પાસધારકો પ્રવાસ કરી શકશે,
- પાસધારકોની વર્ષો જુની માગણીનો સ્વીકાર કરાયો
અમદાવાદઃ રાજ્યમાં વિવિધ ટ્રેનોમાં રોજ અપડાઉન કરનારા માસિક પાસધારકોને માટે પશ્વિમ રેલવે દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે દ્વારા માસિક પાસધારકોને 42 મેલ-એક્સપ્રેસ ટ્રેનોમાં સેકન્ડ ક્લાસ અનરિઝર્વ્ડ કોચમાં મુસાફરી કરવાની મંજૂરી આપી છે. આનો સીધો ફાયદો સુરત અને દક્ષિણ ગુજરાતના હજારો દૈનિક મુસાફરોને થશે. કોરોના કાળ પછી મેલ-એક્સપ્રેસ ટ્રેનોમાં અનરિઝર્વ્ડ કોચ પુનઃસ્થાપિત થતાં, એમએસટી પાસ ધારકોએ કઈ ટ્રેનોમાં મુસાફરી કરવી જોઈએ તે સ્પષ્ટ નહોતું. ઘણી વખત મુસાફરોને આ અંગે ટીટીઈના પ્રશ્નોનો સામનો કરવો પડ્યો હતો. પાસધારકોની માગણી બાદ રેલવે દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
પશ્વિમ રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ સુરતથી ઉપડતી 3 સહિત આ પ્રમુખ ટ્રેનોમાં MSTને મંજૂરી આપવામાં આવી છે. જેમાં ટ્રેન નંબર 12921/12922 ફ્લાઈંગ રાની એક્સપ્રેસ મુંબઈ સેન્ટ્રલ-સુરત-મુંબઈ સેન્ટ્રલ, 12935/12936 બાંદ્રા-સુરત ઇન્ટરસિટી બાંદ્રા ટર્મિનસ-સુરત-બાંદ્રા, ટ્રેન નંબર 19007/19008 સુરત-ભુસાવલ પેસેન્જર સુરત-ધુલે-સુરત, 19015/19016 સૌરાષ્ટ્ર એક્સપ્રેસ અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ, 19019/19020 દેહરાદૂન એક્સપ્રેસ વડોદરા-નાગડા-વડોદરા, 20907/20908 દાદર-ભુજ સુપરફાસ્ટ દાદર-વડોદરા-દાદર, 22929/22930 દહાણુ રોડ-બરોડા સુપરફાસ્ટ દહાણુ રોડ-બરોડા-દહાણુ રોડ, 22945/22946 સૌરાષ્ટ્ર એક્સપ્રેસ મુંબઈ સેન્ટ્રલ-સુરત-રાજકોટ-ઓખા, તેમજ 22953/22954 ગુજરાત એક્સપ્રેસ મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ, 22955/22956 બાંદ્રા-ભુજ સુપરફાસ્ટ બાંદ્રા-ભુજ-બાંદ્રા અને 19101 વિરાર-ભરૂચ મેમુ વિરાર-ભરૂચનો સમાવેશ થાય છે.
અમદાવાદ, વડોદરા. નવસારી અને સુરત રેલ્વે સ્ટેશન અને આસપાસના વિસ્તારોમાંથી દરરોજ મોટી સંખ્યામાં મુસાફરો મુંબઈ, વલસાડ, ભરૂચ, વડોદરા અને અમદાવાદમાં અપડાઉન કરે છે. આમાંના મોટાભાગના મુસાફરો કાર્યકારી વ્યાવસાયિકો અને વિદ્યાર્થીઓ છે. ખાનગી ટ્રેનોમાં MST મંજૂર કરવામાં આવ્યું છે, જેમાંથી પાસધારકોને લાભ થશે