
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને સંદેશાવ્યવહાર રાજ્યમંત્રી ડૉ. ચંદ્રશેખર પેમ્માસાનીએ કહ્યું છે કે ભારતીય રેલવે ફક્ત આપણા અર્થતંત્રનો એક ભાગ નથી, પણ આપણી ઓળખ પણ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આંધ્રપ્રદેશમાં સુલ્લુરુપેટા રેલવે સ્ટેશન (અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પુનઃવિકસિત)નું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યા પછી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, દરરોજ બે કરોડથી વધુ મુસાફરો ટ્રેનોમાં મુસાફરી કરે છે અને ભારતીય રેલવે વિશ્વની સૌથી મોટી રોજગારદાતા છે.
પેમ્માસાનીએ કહ્યું કે વર્તમાન ભારતમાં, માળખાગત સુવિધાનો અર્થ ફક્ત સુવિધા જ નહીં પણ આત્મવિશ્વાસ પણ છે. તેમણે કહ્યું કે આપણને એવા સ્ટેશનોની જરૂર છે, જે સુલભ, કાર્યક્ષમ અને આપણા રાષ્ટ્રીય ગૌરવને પ્રતિબિંબિત કરે. તેમણે કહ્યું કે, માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ, રેલવેને દેશના વિકાસ એજન્ડાના કેન્દ્રમાં મૂકવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી પાસે રેલવે માળખાગત સુવિધાઓમાં પરિવર્તન લાવવા, મુસાફરોના અનુભવમાં સુધારો કરવા અને દેશના વ્યાપક શહેરી નવીકરણ સાથે સ્ટેશનોને એકીકૃત કરવાનું સ્પષ્ટ વિઝન છે.
પેમ્માસાનીએ જણાવ્યું હતું કે અમૃત ભારત સ્ટેશન યોજનાનો હેતુ દેશભરમાં 1300થી વધુ સ્ટેશનોનો પુનઃવિકાસ કરવાનો હતો. સુલ્લુરુપેટા રેલવે સ્ટેશનનો પુનઃવિકાસ 14.5 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યો છે. સુલ્લુરુપેટા સ્ટેશન તિરુપતિના પવિત્ર જિલ્લામાં સ્થિત હોવાથી અને દેશના મુખ્ય અવકાશ બંદર શ્રીહરિકોટાની સૌથી નજીકનું સ્ટેશન હોવાને કારણે રેલવેમાં એક ખાસ સ્થાન ધરાવે છે.
પેમ્મેસાનીએ માહિતી આપી હતી કે, છેલ્લા 11 વર્ષમાં આંધ્રપ્રદેશમાં હાથ ધરવામાં આવેલા વિવિધ રેલવે પ્રોજેક્ટ્સ માટે બજેટ ફાળવણી 2025-26માં વધીને ₹9417 કરોડ થઈ ગઈ છે, જે 2009-14માં ફાળવવામાં આવેલી રકમ કરતાં 10 ગણી વધારે છે. કુલ 414 કિમી નવી રેલ લાઇન ઉમેરવામાં આવી, 1217 કિમી બમણી કરવામાં આવી અને કુલ 3748 કિમી રેલ લાઇનનું વીજળીકરણ કરવામાં આવ્યું. છેલ્લા 11 વર્ષમાં 34700 કરોડ રૂપિયાના કુલ 41 પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે. તેમણે કહ્યું કે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ આંધ્રપ્રદેશમાં 73 સ્ટેશનોનો પુનર્વિકાસ કરવામાં આવી રહ્યો છે.