
- અમરેલી જિલ્લામાં કરા સાથે વરસાદ પડ્યો
- માછીમારોને દરિયો ન ખેડવા તંત્ર દ્વારા સુચના
- કોટડાસાંગાણી તાલુકામાં વીજળી પડતાં 10 ઘેટાં-બકરાંનાં મોત
અમદાવાદઃ રાજ્યના હવામાન વિભાગે ભર ઉનાળે ભારે વરસાદની આગાહી કરી છે. ઈસ્ટ-સેન્ટ્રલ અરબ સાગરમાં સર્જાયેલું લો પ્રેશર આજે સાંજ સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાય એવી શક્યતા છે, જેના પગલે ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સમય દરમિયાન ભારે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. જે માછીમારો ડીપ સીમાં ગયા છે તેમને શુક્રવાર સાંજ સુધીમાં પરત ફરી જવાની સૂચના આપવામાં આવી છે. દરમિયાન આજે સવારે 6 વાગ્યે પુરા થતાં 24 કલાકમાં 55 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં રાજકોટ અને અમરેલીના કુકાવાવ-વડિયામાં બે ઈટ વરસાદ પડ્યો હતો. ગોંડલ તાલુકા ગરનારા ગામે ખેતરમાં વીજળી પડતાં ખેતમજૂરનું મોત નીપજ્યું હતું. જ્યારે કોટડાસાંગાણી તાલુકામાં વીજળી પડતાં 10 ઘેટાં-બકરાંનાં મોત નીપજ્યાં હતાં.
ગુજરાતમાં ભર ઉનાળે કેટલાક વિસ્તારોમાં અસહ્ય ગરમી અને કેટલાક વિસ્તારોમાં વરસાદી વાતાવરણનો માહોલ સર્જાયો છે. ગઈકાલે ગુરુવારે સાંજના સમયે સૌરાષ્ટ્ર પંથકના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગોંડલ પંથકમાં મિની વાવાઝોડાની માફક પવન ફૂંકાતા અનેક સ્થળો પર નુકસાનીના દૃશ્યો સામે આવ્યા હતા. તો બીજી તરફ અમરેલી અને ચોટીલામાં પણ વરસાદ વરસ્યો હતો.ગોંડલ તાલુકાના ગરનારા ગામે ખેતરમાં વીજળી પડતાં ખેતમજૂરનું મોત નીપજ્યું હતું. જ્યારે કોટડાસાંગાણી તાલુકામાં વીજળી પડતાં 10 ઘેટાં-બકરાંનાં મોત નીપજ્યાં હતાં. ગત રાતે વાવાઝોડાને લીધે રાજકોટ, અમરેલી, ભરૂચ સહિતના જિલ્લાઓમાં અનેક વૃક્ષો અને હોર્ડિગ્ઝ ધરાશાયી થયાં હતાં. પવનની ગતિ એટલી તેજ હતી કે ઈમારતોની બારીના કાચ તૂટી ગયા હતા. સમુદ્રમાં હાલ કરંટ જોવા મળી રહ્યો છે. અને મોજા ત્રણ ફુટ ઉછળી રહ્યા છે. આજે બપોર સુધીમાં કોઈપણ વિસ્તારમાં વરસાદ પડ્યાના વાવડ મળ્યા નથી.
હવામાના આગાહીકાર અંબાલાલ પટેલના કહેવા મુજબ ગુજરાતમાં આજથી એટલે કે 23થી 25 મે સુધીમાં વાતાવરણમાં પલટો આવશે. આગામી દિવસોમાં ગુજરાતના અનેક જિલ્લાઓ અને તાલુકાઓમાં આંધી અને વંટોળ સાથે વરસાદ રહેશે. અરબ સાગરમાં લૉ પ્રેસર બનતા મુંબઈ-ગોવાના ભાગોમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે. વાવાઝોડાની પ્રક્રિયા 25-26 પછી સમુદ્રમાં વધશે. 27 મેથી 29-20 મે સુધી ચક્રવાત બનવાની શક્યતા રહેલી છે.
ગુજરાતના કેટલાક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજકોટના ગોંડલ તાલુકાના ગરનારા ગામે ખુલ્લા ખેતરમાં વીજળી પડતા શંકરસિંહ ચૌહાણ નામના મજૂરનું મોત નીપજ્યું હતું. શંકરસિંહ કૂવો ગાળવાનું કામ કરે છે મૃતકના મૃતદેહ ને પી.એમ.અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે રાજકોટમાં ગુરૂવારે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા શહેરભરમાં વાવાઝોડા જેવો માહોલ છવાઈ ગયો હતો. ભારે પવન સાથે વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાઈ થયા હતા. એટલું જ નહીં હોર્ડિંગ્સ પણ ઉડી ગયા હતા. જેમાં સિવિલ ચોક નજીક એક વૃક્ષ ધરાશયી થયું હતું. તેમજ રેસકોર્સ રિંગરોડ પર મહાકાય હોર્ડિંગ પડતા રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી. જોકે, સદનસીબે આ ઘટનાઓમાં કોઈ જાનહાનિ થઈ નથી.