ગુજરાતમાં ગેસ સિલિન્ડરની રામાયણ, હોટલ-રેસ્ટોરન્ટ્સના સંચાલકો મુશ્કેલીમાં મુકાયા
અમદાવાદ, 11 માર્ચ 2026: Hotel and restaurant operators in trouble due to gas cylinder shortage ઈરાન સામે અમેરિકા-ઈઝરાયના યુદ્ધને લીધે ભારતીય માર્કેટમાં પણ તેની અસર જોવા મળી રહી છે. ખાડીના દેશોમાં યુદ્ધની સ્થિતિને લીધે એલપીજી ગેસના સપ્લાય પર મોટી અસર પડી છે. ઘરેલું રાઘણગેસના ભાવમાં વધારો કરાયા બાદ પણ સમયસર ગેસ સિલિન્ડરની ડિલિવરી મળતી નથી. બીજીબાજુ કોમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ કરતા રેસ્ટોરન્ટ અને લારીવાળાઓની મુશ્કેલીમાં પણ રાતોરાત વધારો થયો છે. ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના મતે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની સપ્લાય ખોરવાતા જે રેસ્ટોરન્ટ પાસે પાઈપ ગેસની સુવિધા નથી તેઓની મુશ્કેલી વધી છે.
ગુજરાતમાં અમદાવાદ સહિત મહાનગરોમાં પીએનજીના ગેસ કનેક્શનધારકોને હજુ ખાસ કોઈ તકલિફ પડી નથી. જોકે ઓદ્યોગિક વપરાશ માટેના ગેસ સપ્લાયમાં કાપ મુકવામાં આવતા ઉત્પાદનને ફટકો પડી રહ્યો છે. ઉપરાંત એલપીજી સિલિન્ડરોની પણ હવે સમયસર ડિલિવરી કરી શકાતી નથી. અને વેઈટિંગ લિસ્ટ વધતું જાય છે. ઉપરાંત કોમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ કરતા રેસ્ટોરન્ટ અને લારીવાળાઓની મુશ્કેલીમાં પણ રાતોરાત વધારો થયો છે. કોમર્શિયલ સિલિન્ડરોના કાળા બજાર બોલી રહ્યા છે. કેટરર્સ સંચાલકોએ પણ પોતાના ઓર્ડર પૂરા કરવા મુશ્કેલ બની શકે છે. ગેસ સપ્લાયની તંગી સર્જાવાને લઈ સ્થાનિકોએ અગાઉથી ગેસના બાટલા ઓનલાઈન બુક કરાવી દીધા હતા. જે બાદ આજે સવારથી અલગ અલગ શહેરોમાં ગેસ એજન્સી બહાર ગેસના બાટલા લેવા લોકોની લાઈનો લાગી છે.
ગુજરાતના અનેક શહેરોમાં કોમર્શિયલ સિલિન્ડરનો પુરવઠો ખોરવાઈ ગયો છે. જેની સીધી અસર હોટલ, રેસ્ટોરન્ટ, કેટરર્સ તેમજ ફરસાણના કારખાનાઓ પર પડી રહી છે. જો કે અન્ય રાજ્યમાં કોમર્શિયલ સિલિન્ડરની સપ્લાય પર રોક લગાવી દેવામાં આવતા ઘણા બધા હોટલ બંધ થઈ ગયા છે. જો કે હવે અમદાવાદમાં પણ આવી સ્થિતિ માત્ર બે દિવસમાં સર્જાય તો પણ નવાઈ નથી. હોટલ સંચાલકોના જણાવ્યા અનુસાર કોઈને પણ અંદાજ ન હતો કે સપ્લાય બંધ થઈ જશે જેથી કોઈએ પણ સ્ટોક કરી રાખ્યો નથી. જરૂર હોય તે પ્રમાણે લોકો મંગાવીને ઉપયોગ કરતા હતા. જેથી હવે અચાનક સપ્લાય બંધ થઈ જતા હોટલ સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. જ્યારે ફરસાણના વેપારીઓના કહેવા મુજબ, કોમર્શિયલ બાટલાના ભાવમાં વધારો થતા ફરસાણના વેપારીઓને ખૂબ તકલીફ પડી છે. હાલ દર મહિને 10 ગેસ સિલિન્ડરની જરૂરિયાત છે, પરંતુ તેની સામે 6 ગેસ સિલિન્ડર જ મળે છે. હાલ ફાફડા અને વણેલા ગાંઠિયાના કિલોના ભાવ રૂ. 560 છે. ફરસાણના ભાવ રૂ.320થી રૂ. 500 સુધી છે. જો લાંબો સમય આ રીતે ગેસ સિલિન્ડરનો ભાવ વધુ રહેશે તો તેની અસર ગ્રાહકોને પણ પડશે. જેથી ફરસાણના ભાવમાં પણ રૂ.20થી રૂ.40 નો વધારો કરવો પડશે


