- ગાંધીનગરમાં મહત્વની બેઠકમાં આગેવાનો સાથે ચર્ચા,
- અગાઉ બેઠકમાં પ્રશ્નો ન ઉકેલાતા ઉચ્ચ અધિકારીઓએ કમાન સંભાળી,
- મુખ્ય માગણીઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી,
ગાંધીનગરઃ રાજ્યભરના રેશનિંગના દુકાનધારકો પોતાના વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે છેલ્લા ચાર દિવસથી હડતાળ પર ઉતર્યા છે. રેશનિંગના દૂકાનદારોની હડતાળને લીધે લાખો ગરીબ અને મધ્યમ વર્ગના રેશનકાર્ડધારકોની મુશ્કેલીઓ વધી રહી છે. આવશ્યક ચીજવસ્તુઓ મેળવવામાં ઉભી થઇ રહેલી અડચણોના કારણે સામાન્ય જનજીવન પર ગંભીર અસર પડી રહી છે. આ પરિસ્થિતિના તાત્કાલિક ઉકેલ માટે રાજ્ય સરકારનું અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ સક્રિય બન્યું છે અને આજે સાંજે ગાંધીનગર ખાતે વિતરક આગેવાનો સાથે એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ રહી છે. અને સમાધાન થાય તેવી શક્યતા છે.
ગુજરાતમાં રેશનિંગના દૂકાનદારો પોતાના કમિશન વધારાથી લઈને વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે છેલ્લા ચાર દિવસથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. રેશનિંગના દૂકાનદારોની હડતાળથી રેશનકાર્ડધારકો મુશ્કેલીમાં મુકાયા છે. રેશનિંગના દૂકાનદારોની હડતાળ શરૂ થયાના માત્ર ચાર દિવસમાં જ વિભાગ દ્વારા આ ત્રીજી વાર બેઠક બોલાવવામાં આવી છે. આ અગાઉ મંત્રી સ્તરે પણ વિતરકો સાથે બેઠક યોજાઈ હતી, પરંતુ તેમાં કોઈ નક્કર પરિણામ ન આવતા હવે ઉચ્ચ અધિકારીઓએ કમાન સંભાળી છે.
અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના નિયામકે રેશન વિતરકોના આગેવાનોને તાત્કાલિક ગાંધીનગર સ્થિત નિયામકની કચેરી ખાતે બેઠક માટે તેડું મોકલ્યું હતું. મંત્રી સાથેની વાટાઘાટો નિષ્ફળ ગયા બાદ હવે અધિકારીઓની ટીમ વિતરકોની માગણીઓ અને સમસ્યાઓને સમજીને તેનો સ્વીકાર્ય ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહી છે. આ બેઠકમાં વિતરકો દ્વારા કરવામાં આવેલી મુખ્ય માગણીઓ પર વિગતવાર ચર્ચા થવાની પૂરી શક્યતા છે. જો સરકાર અને વિતરકો, બંને પક્ષે સકારાત્મક વલણ અપનાવવામાં આવે, તો આજે જ આ વિવાદનો સુખદ અંત આવી શકે છે. રાજ્યના લાખો ગરીબ પરિવારો માટે રેશનિંગ સેવાઓનું વહેલી તકે પુનઃસ્થાપન થવું ખૂબ જ જરૂરી છે. જો આ બેઠક સફળ થશે તો ગ્રાહકોને પડેલી મુશ્કેલીઓનો અંત આવશે અને આગામી દિવસોમાં તેમને નિયમિત અનાજનો જથ્થો મળવાનું ફરી શરૂ થઈ જશે. (file photo)


