
ટ્રમ્પના ટેરિફ વચ્ચે ભારતીય રિફાઇનરીઓ માટે હવે રશિયાનું તેલ વધુ સસ્તુ બન્યું
નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણીઓને અવગણીને ભારત સતત રશિયાથી કાચા તેલની ખરીદી કરી રહ્યું છે. ટ્રમ્પના ટેરિફ વચ્ચે ભારતીય રિફાઇનરીઓ માટે હવે રશિયાનું તેલ વધુ સસ્તુ બન્યું છે. રશિયાએ ભારતને આપાતી છૂટ વધારીને 3-4 ડૉલર પ્રતિ બેરલ કરી છે. ગયા અઠવાડિયે આ છૂટ 2.50 ડૉલર હતી, જ્યારે જુલાઈમાં ફક્ત 1 ડૉલર પ્રતિ બેરલની છૂટ આપવામાં આવી હતી.
બ્લૂમબર્ગની રિપોર્ટ મુજબ, સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં ભારતને મોકલવામાં આવનાર તેલ પર નવી દરો લાગુ થશે. આ સમયે રશિયાએ ભારતને વધારાની છૂટ આપી છે, જ્યારે ટ્રમ્પ રોજિંદા વેપાર સોદાને લઈને ભારત પર નિશાનો સાધી રહ્યા છે. અમેરિકાએ રશિયાથી તેલ ખરીદવા બદલ ભારત પર 25 ટકા વધારાનો ટેરિફ લગાવ્યો છે, જે વધીને હવે 50 ટકા થઈ ગયો છે.
ટ્રમ્પના સલાહકાર પીટર નવારોએ ભારત પર રશિયાને યુદ્ધ માટે ફંડિંગ કરવાનો આરોપ મૂક્યો છે. તેમનું કહેવું છે કે “પુતિનના યુક્રેન પર હુમલા પહેલા ભારત રશિયાથી ખૂબ ઓછું તેલ ખરીદતું હતું. હવે રશિયા છૂટ આપે છે, તો ભારત તેલ ખરીદી સસ્તામાં રિફાઇન કરીને યુરોપ અને આફ્રિકા જેવા દેશોને પ્રીમિયમ ભાવે વેચે છે. આથી રશિયાને યુદ્ધમાં પરોક્ષ મદદ મળે છે.”
ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ ખરીદદાર દેશ છે. વર્ષ 2022થી રશિયાથી તેલ ખરીદીમાં અચાનક વધારો થયો છે. ભારતે 1 ટકાથી વધારીને હવે 40 ટકા કાચા તેલની ખરીદી રશિયાથી શરૂ કરી છે. વર્ષ 2024-25 દરમિયાન ભારતે દરરોજ 5.4 મિલિયન બેરલ તેલ આયાત કર્યું, જેમાંથી 36 ટકા રશિયાએ પૂરો પાડ્યો. આ આંકડો ઈરાક, સાઉદી અરેબિયા, યુએઈ અને અમેરિકા કરતા ઘણો વધારે છે.