
રશિયાનો યુક્રેન પર ત્રીજો સૌથી મોટો હુમલો, 600થી વધુ ડ્રોન અને મિસાઇલોથી કરાયો હુમલો
કીવઃ રશિયાએ મોડી રાત્રે યુક્રેનની રાજધાની કીવ અને આસપાસના વિસ્તારોમાં ભયાનક હુમલો કર્યો હતો. આ દરમિયાન 600થી વધારે ડ્રોન અને મિસાઇલો છોડવામાં આવ્યા હતા. છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલા યુદ્ધનો આ ત્રીજો સૌથી મોટો હુમલો છે. આ હુમલામાં અનેક ઈમારતોને નુકસાન પહોંચ્યું છે. તેની અસર પાડોશી દેશ પોલેન્ડ સુધી જોવા મળી હતી. સુરક્ષા પગલાં તરીકે પોલેન્ડે કેટલાંક કલાકો માટે પોતાનું એરસ્પેસ બંધ કરી દીધું અને લડાકૂ વિમાનોને આકાશમાં મોકલવા પડ્યા હતા.
યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીએ જણાવ્યું કે કીવ પર થયેલા હુમલામાં ઓછામાં ઓછા 4 લોકોના મોત થયા છે, જ્યારે 42 લોકો ઘાયલ થયા છે. દક્ષિણ યુક્રેનના જપરોઝિયા શહેરમાં 31 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. યુક્રેનની વાયુસેનાએ દાવો કર્યો કે રશિયાએ 595 ડ્રોન અને 48 મિસાઇલો છોડ્યા હતા, જેમાં બે બેલેસ્ટિક અને અનેક ક્રૂઝ મિસાઇલોનો સમાવેશ થાય છે. તેમ છતાં યુક્રેની એર ડિફેન્સ સિસ્ટમે 43 ક્રૂઝ મિસાઇલ તથા મોટા ભાગના ડ્રોનને સફળતાપૂર્વક નિષ્ક્રિય કર્યા હોવાનો દાવો કર્યો છે.
રશિયાનો આ હુમલો એવા સમયે થયો છે, જ્યારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનું મહત્વપૂર્ણ સત્ર ચાલી રહ્યું હતું. ઝેલેન્સ્કીએ આ હુમલા અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે “આ હુમલો બતાવે છે કે રશિયાનો સાચો ઇરાદો શું છે.” આ ઘટનાએ યુરોપના દેશોમાં સુરક્ષા અંગે ચિંતાનો માહોલ સર્જી દીધો છે.