- વન મંત્રીના હસ્તે કાલે બરડા સફારી પાર્કનો વિધિવત પ્રારંભ કરાશે,
- બરડા જંગલની સમૃદ્ધ વનસ્પતિ અને વિશિષ્ટ પ્રાણી સૃષ્ટિને નિહાળવાની તક મળશે.
- ઓપન જીપ્સીમાં પ્રવાસીઓ ગાઢ જંગલ અને પ્રાણીઓને નિહાળી શકશે
પોરબંદરઃ જિલ્લાના બરડા જંગલમાં સફારી પાર્કનો આવતી કાલ તા. 29મીને મંગળવારથી પ્રારંભ થશે. બરડા જંગલ સફારીનો વન મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને પ્રારંભ કરવામાં આવશે. પ્રવાસીઓ માટેના બુકિંગનો પણ પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.
વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત સરકાર દ્વારા 12 ફેબ્રુઆરી 1979 ના રોજ બરડા વિસ્તારને વન્યપ્રાણી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. આ અભયારણ્ય મોડપર કિલ્લો, નવલખા મંદિર, જેઠવા શાસકોની પ્રાચીન રાજધાની ઘુમલી જેવા ઐતિહાસિક સ્થળોથી ઘેરાયેલું છે. વર્ષ 1879 માં સિંહોનું એક ટોળું બરડા અભયારણ્યમાં જોવા મળ્યું હતું. ત્યારબાદ દાયકાઓ પછી 19 જાન્યુઆરી, 2023 ના રોજ એક નર એશીયાઇ સિંહે કુદરતી રીતે બરડા વન્યપ્રાણી અભયારણ્યમાં પોતાના આવાસસ્થાન તરીકે વસવાટ કર્યો છે, જે એક ઐતિહાસિક ઘટના કહી શકાય. બરડા જંગલ સફારીમાં ભાણવડ અને રાણાવાવ તેમજ બરડા વન્યપ્રાણી અભયારણ્યના સૌથી મનોહર વિસ્તારને આવરી લેવામાં આવ્યા છે. માર્ગદર્શિત સફારી દ્વારા પ્રવાસીઓને બરડા વન્યજીવ અભયારણ્યની સમૃદ્ધ જૈવ વિવિધતાનો રોમાંચક અનુભવ પ્રાપ્ત થશે. આ સફારી માર્ગ જાજરમાન કિલગંગા નદીના સાનિધ્યમાંથી પસાર થાય છે. સાથે જ બરડા વન્યજીવ અભયારણ્યની સમૃદ્ધ વનસ્પતિ સૃષ્ટિ તેમજ વિશિષ્ટ પ્રાણી સૃષ્ટિને નિહાળવાની અનોખી તક આપે છે.
બરડા જંગલ સફારી ફેઝ 1 નો કુલ 27.75 કિ.મી. નો રૂટ છે. જેમાં કપુરડી નાકાથી ચારણુંઆઈ બેરીયર, અજમાપાટ, ભુખબરાથી પરત કપુરડી નાકા સુધીનો છે. તેમજ સફારી માટે ઓપન જીપ્સી રાખવામાં આવેલી છે, જેમાં 6 પ્રવાસીઓ બેસી શકશે. સફારી પરમીટ મેળવવા માટે પ્રવાસીઓએ ટિકિટ બારી પર અગાઉથી બુકિંગ કરાવવું જરૂરી છે. બરડા જંગલમાં સિંહ સહિતના વન્ય પ્રાણીઓ, વિવિધ પક્ષીઓ, તળાવો, ઝરણાં, વનસ્પતિઓનો નજારો માણવાનો લોકોને અવસર મળશે. જંગલ સફારીના કારણે બહારગામથી લોકો અલૌકિક નજારો માણવા પોરબંદર આવશે જેથી પ્રવાસન ક્ષેત્રે પોરબંદરના વિકાસને વેગ મળશે.