
- ગાંધીનગરમાં સાબરમતી કિનારે ન જવા લોકોને અપીલ,
- શહેરના ફાયર બ્રિગેડ વિભાગને એલર્ટ કરાયો,
- પાણીનું સ્તર વધશે તો સંત સરોવરના દરવાજા ખોલાશે
ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં સારા વરસાદને કારણે તેમજ સાબરમતી નદીના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લીધે સંત સરોવર ડેમ 90 ટકા ભરાઈ ગયો છે. અને પાણીની આવક થઈ રહી છે. અને ગમે ત્યારે ડેમમાંથી પાણી છોડવાની શક્યતા હોવાથી લોકોને સાબરમતી નદીના કિનારો ન જવા અપીલ કરવામાં આવી છે. તેમજ ફાયર વિભાગ સહિત તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે.
ગાંધીનગર મ્યુનિ.કોર્કોરેશને સાબરમતી નદીના કિનારે રહેતા લોકોની સુરક્ષા માટે મહત્વની જાહેરાત કરી છે. સંત સરોવર ડેમનું જળસ્તર 90 ટકા સુધી પહોંચી ગયું છે. નદીમાં ગમે ત્યારે પાણી છોડવાની શક્યતા હોવાથી નદીમાં ન જવા અપીલ કરવામાં આવી છે. દરમિયાન ડિઝાસ્ટર કંટ્રોલ વિભાગના જણાવ્યા મુજબ, ડેમનું જળસ્તર 100 ટકા થતાં જ ઇરિગેશન વિભાગ દરવાજા ખોલશે. આનાથી સાબરમતી નદીના જળસ્તરમાં વધારો થશે. ગાંધીનગર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમો નદી કિનારાના ગામોમાં P.A. સિસ્ટમથી સૂચનાઓ આપી રહી છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પણ નાગરિકોને નદી કિનારે જવાની મનાઈ ફરમાવવામાં છે. નાગરિકોને પશુઓને નદી કિનારે ન લઈ જવા સૂચના અપાઈ છે. નદીમાં સ્નાન, કપડાં ધોવા, વાસણ ધોવા કે માછલી પકડવા જેવી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકાયો છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા કહેવાયું છે. કટોકટીના સમયે ગાંધીનગર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસનો તાત્કાલિક સંપર્ક કરવા અપીલ કરાઈ છે.