1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અગરિયાઓના બાળકો માટે સ્કૂલબસ શાળા મેન્ટેનન્સના અભાવે ભંગાર બની ગઈ
અગરિયાઓના બાળકો માટે સ્કૂલબસ શાળા મેન્ટેનન્સના અભાવે ભંગાર બની ગઈ

અગરિયાઓના બાળકો માટે સ્કૂલબસ શાળા મેન્ટેનન્સના અભાવે ભંગાર બની ગઈ

0
Social Share
  • કચ્છના નાનારણમાં 18 સ્કૂલબસ શાળામાં 300 બાળકો શિક્ષણ મેળવે છે
  • સ્કૂલબસ શાળામાં પંખા,બેટરી એઈડી સહિતના ઉપકરણો બંધ પડ્યા છે
  • સોલાર સિસ્ટમ પણ કામ કરતી નથી

સુરેન્દ્રનગરઃ કચ્છના નાના રણ તરીકે ઓળખાતા પાટડી, ખારાઘોડા, ઝિંઝુવાડા સહિતના રણ વિસ્તારમાં મીઠાના અગરમાં કામ કરતા અગરિયાઓના બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે સરકારે લાખો રૂપિયાનો ખર્ચ કરીને 18 જેટલી બસમાં હરતી ફરતી સ્કૂલો બનાવી હતી. સ્કૂલબસમાં પંખા, બેટરી, એઈડી સહિતની સુવિધા આપવામાં આવી હતી. સરકારનો હેતુ સારો હતો, પણ સ્થાનિક અધિકારીઓની બેદરકારીને લીધે મેન્ટેનન્સના અભાવે સ્કુલબસો ભંગાર બની ગઈ છે. પંખા, એઈડી સહિતના મોટાભાગના ઉપકરણો બંધ પડ્યા છે. એટલું નહી. દરેક બસ પર સોલાર સિસ્ટમ લગાવવામાં આવી હતી. એના વાયરોનો અત્તોપત્તો નથી.

કચ્છના નાના રણના અગરિયાઓના બાળકો રણમાં ભણી શકે તે માટે  જૂની એન્જિન વગરની ભંગાર બસોને રંગરોગાન અને ડિજિટલ ટેક્નોલોજી સાથે ક્લાસરૂમમાં પરિવર્તિત કરી અને ‘સ્માર્ટ’ રણશાળા નામ આપ્યું હતું. જોકે આજે મેન્ટેનન્સના અભાવે  તમામ સ્કૂલ બસો ભંગાર  બની ગઈ છે, કચ્છના નાના રણમાં ઝીંઝુવાડા અને ખારાઘોડા સહિત અલગ અલગ મીઠાના અગરોમાં 18 બસોમાં બેસી અંદાજે 300 બાળક શિક્ષણ મેળવે છે. એક વખત અગરિયા બાળકોના ઉત્કર્ષ માટે સ્માર્ટ અને બહેતર વ્યવસ્થાના નામે લવાયેલી આ બસો મેન્ટેનન્સના અભાવે ભંગાર બની ગઈ છે.  અગરિયાઓના જણાવ્યા અનુસાર મોટાભાગની બસોમાં બેટરી, પંખા, સ્માર્ટ એલસીડી સહિતના ઉપકરણો બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. જ્યારે કેટલીક બસ ઉપર સેટેલાઈટ ડીશ અથવા તેના કેમેરા ગાયબ જોવા મળે છે. સોલર સિસ્ટમનું વાયરિંગ પણ રફેદફે હોવાનું કહેવાય છે.

અગરિયા મહાસંધના સેક્રેટરી પરબત સુરેલાએ વારંવાર રજૂઆતો બાદ ગ્રાન્ટના આભાવે આ સ્થિતિ સર્જાઈ હોવાનો અધિકારીઓનો જવાબ મળતો હોવાનું કહ્યું હતું. બીજી તરફ પાટડી સીઆરસી વિભાગના એક કર્મચારીના જણાવ્યા મુજબ માત્ર ચોવીસ હજારની ગ્રાન્ટ હતી. જે બસો રણમાં પહોંચ્યા પહેલા પ્રાથમિક રિપેરીંગમાં વપરાઈ ગઈ હોવાનું જણાવ્યુ હતું. ગરમીની શરૂઆત થશે અને ધીમે ધીમે પારો રણમાં પચાસે પહોંચશે. ત્યારે એક તરફ બંધ પંખાવાળી આ બસોમાં અગરિયા બાળકો દયનીય હાલતમાં મૂકાય તે પહેલા તંત્રે આળસ ખંખેરવાની તાતી જરૂર છે. ( File photo)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code