1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સમગ્ર દેશમાં એક વર્ષ સુધી ઉજવાશે ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’
સમગ્ર દેશમાં એક વર્ષ સુધી ઉજવાશે ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’

સમગ્ર દેશમાં એક વર્ષ સુધી ઉજવાશે ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’

0
Social Share

ગાંધીનગર,16 જાન્યુઆરી 2026: મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના તાજેતરના ત્રિ-દિવસીય ગુજરાત પ્રવાસની અભૂતપૂર્વ સફળતા અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી  જીતુભાઈ વાઘાણીએ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું.

પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે, સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાયેલું ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ માત્ર એક કાર્યક્રમ નહીં, પરંતુ શ્રદ્ધા અને રાષ્ટ્રવાદનો મહોત્સવ બન્યો છે. ઓમકારના નાદ અને મંત્રોચ્ચારથી ગુંજી ઉઠેલા એક અલૌકિક વાતાવરણ વચ્ચે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીનું સ્વાગત કરવા વિશાળ જનમેદની ઉમટી પડી હતી. મંદિરના પટાંગણ, શહેરના માર્ગો, શૌર્ય યાત્રા અને જાહેર સભામાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત જનતાએ વડાપ્રધાન પ્રત્યેના અતૂટ પ્રેમ અને વિશ્વાસની પ્રતીતિ કરાવી હતી. નાગરિકોના આ અભૂતપૂર્વ ઉત્સાહની આજે કેબિનેટે ગૌરવભેર નોંધ લીધી હતી.

આ પ્રસંગે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા મંત્રીએ જણાવ્યું કે, સોમનાથ મંદિરની દિવ્યતા તથા તેના રક્ષણ માટે બલિદાન આપનાર શૂરવીરોનું ગૌરવગાન અને મંદિરના સાંસ્કૃતિક ગૌરવનો સંદેશ દેશના ખૂણે-ખૂણે પહોંચાડવા માટે વડાપ્રધાનએ આગામી એક વર્ષ સુધી સમગ્ર દેશમાં ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ ઉજવવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. આ સમગ્ર વર્ષ દરમિયાન રાજ્યમાં ભક્તિમય અને દેશભક્તિનું વાતાવરણ જળવાઈ રહે તે માટે રાજ્ય સરકાર સંપૂર્ણપણે કટિબદ્ધ છે.

મંત્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યના વહીવટી તંત્ર દ્વારા સોમનાથ ખાતે માત્ર ૪ થી ૫ દિવસના અત્યંત ટૂંકા સમયગાળામાં ખૂબ જ ઝડપ અને ચોકસાઈથી સમગ્ર કાર્યક્રમનું સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારની ‘ગતિશીલતા’ અને કાર્યક્ષમતામાં થયેલો વધારો આ સફળ આયોજન દ્વારા સાબિત થયો છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત સમગ્ર કેબિનેટે આ ભવ્ય સફળતા પાછળ દિવસ-રાત મહેનત કરનાર વહીવટી તંત્રની મુક્તકંઠે પ્રશંસા કરી હતી.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code