1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજ્ય ચૂંટણી પંચે અમદાવાદ સહિત 15 મહાપાલિકાના ચૂંટણી અધિકારીઓની કરી નિમણૂકો
રાજ્ય ચૂંટણી પંચે અમદાવાદ સહિત 15 મહાપાલિકાના ચૂંટણી અધિકારીઓની કરી નિમણૂકો

રાજ્ય ચૂંટણી પંચે અમદાવાદ સહિત 15 મહાપાલિકાના ચૂંટણી અધિકારીઓની કરી નિમણૂકો

0
Social Share

ગાંધીનગર, 25 ફેબ્રુઆરી 2026:  ગુજરાતમાં SIR’ની કામગીરી પૂર્ણ થતાં હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો ધમધમટા શરૂ થશે. અમદાવાદ સહિત મહાનગરપાલિકાઓની 10મી માર્ચે મુદત પુરી થાય છે. જ્યારે નવરચિત મહાનગરપાલિકાઓની પણ ચૂંટણીઓ યોજાશે. એટલે  રાજ્યની 15 મહાનગરપાલિકાઓમાં ચૂંટણી યોજાવાની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા સત્તાવાર કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે, ત્યાર રાજ્યના ચૂંટણી પંચ દ્વારા મહાનગરપાલિકાઓમાં ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરી દેવામાં આવી છે.

ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા નજીકના ભવિષ્યમાં યોજાનારી મહાનગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓ માટે વહીવટી તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. રાજ્ય ચૂંટણી આયોગે સત્તાવાર હુકમ બહાર પાડીને વિવિધ મહાનગરપાલિકાઓ માટે ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરી છે. આ નિમણૂકો ભારતના સંવિધાનના અનુચ્છેદ 243 વ.ક અને ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ, 1949ની કલમ 14 હેઠળ મળેલ સત્તાની રુએ કરવામાં આવી છે.

ચૂંટણી આયોગના સચિવ આર. જી. ગોહિલની સહી સાથે બહાર પડાયેલા આ હુકમ મુજબ, અમદાવાદ, રાજકોટ, ભાવનગર, સુરત, વડોદરા અને જામનગર જેવી મોટી મહાનગરપાલિકાઓ સહિત આણંદ, નડીઆદ, મહેસાણા, નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર, મોરબી અને વાપી જેવી નગરપાલિકાઓ/મહાનગરપાલિકાઓના વોર્ડ વાઇઝ જવાબદારીઓ સોંપવામાં આવી છે. આ યાદીમાં ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર, સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી કક્ષાના અધિકારીઓને વિવિધ વોર્ડની જવાબદારી સોંપવામાં આવી છે, જેઓ આગામી ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન કરશે.

આ આદેશની નકલ રાજ્યના મુખ્ય સચિવ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ અને જે-તે જિલ્લાના કલેક્ટરોને જાણ તથા જરૂરી કાર્યવાહી માટે રવાના કરવામાં આવી છે. આ સાથે જ ચૂંટણી આયોગે આ હુકમને અસાધારણ સરકારી ગેઝેટમાં પ્રસિદ્ધ કરવા માટે પણ સૂચના આપી છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી અધિકારીઓની આ નિમણૂક સાથે જ હવે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થઈ જશે તેવા સંકેતો મળી રહ્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code