
- ફાયર એનઓસી ન ધરાવનારાને હવે આખરી તક અપાશે
- ફાયર વિભાગની નોટિસ છતાંયે બિલ્ડિંગધારકો ગંભીરતાથી લેતા નથી
- બિલ્ડિંગધારકો સામે કેવા પગલાં લેવા તે મ્યુનિ. કમિશનર નક્કી કરશે
રાજકોટઃ શહેરમાં અનેક કોમર્શિયલ અને રેસિડેન્ટ બિલ્ડિંગધારકો ફાયરની એનઓસી લેવામાં લાપરવાહી દાખવી રહ્યા છે. આવા બિલ્ડિંગધારકોને મ્યુનિ.કોર્પોરેશનના ફાયર વિભાગે બેવાર નોટિસો ફટકારી છે છતાંયે ફાયરની એનઓસી લેવામાં આવતી નથી. આથી હવે છેલ્લા વાર બિલ્ડિંગધારકોને નોટિસો ફટકારવામાં આવી રહી છે. અને તેમને છેલ્લી તક આપવામાં આવી છે. જો સમય મર્યાદામાં ફાયરની એનઓસી લેવામાં નહીં આવે તો કડક કાર્યવાહી કરવામાં આવશે,
રાજકોટ શહેરમાં એટલાન્ટિસ અગ્નિકાંડ બાદ ફાયર એનઓસી ન ધરાવતા રહેણાક અને કોમર્શિયલ બાંધકામોને આરએમસી દ્વારા નોટિસ આપવાનું શરૂ કરાયું છે અને જેટલા બિલ્ડિંગોને બે-બે નોટિસ અપાઇ છે તેમને ત્રીજી અને આખરી નોટિસ આપવાનું શરૂ કરાયું છે ત્યારે ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યા અનુસાર આખરી નોટિસ આપ્યા બાદ હવે શું કાર્યવાહી કરવી તે મ્યુનિસિપલ કમિશનરને પૂછીને નિર્ણય કરાશે.
ફાયર વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં ટીઆરપી અગ્નિકાંડની ઘટના અને એટલાન્ટિસ અગ્નિકાંડની ઘટના બાદ ફાયર બ્રિગેડ શાખાની ટીમો દ્વારા તમામ રહેણાક અને કોમર્શિયલ હાઇરાઇઝ બિલ્ડિંગોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને લગભગ 3600 વધુ બિલ્ડિંગોને અત્યાર સુધીમાં ફાયર એનઓસીના મુદ્દે નોટિસ આપવામાં આવી છે. મ્યુનિની ફાયર શાખાએ 2-2 વખત નોટિસ આપવા છતાં સંખ્યાબંધ બિલ્ડિંગના એસોસિએશનોએ હજુ સુધી ફાયર સેફ્ટીની સિસ્ટમ ઇન્સ્ટોલ કરી નથી તેમજ ફાયર એનઓસી લીધી નથી. આથી ફાયર શાખાએ આજથી ત્રીજી અને આખરી નોટિસ આપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ નોટિસ આપ્યા બાદ જો બિલ્ડિંગના એસોસિએશનો દ્વારા ફાયર એનઓસી લેવામાં નહીં આવે તો તેમની સામે શું કાર્યવાહી કરવી તેનો આખરી નિર્ણય મ્યુનિસિપલ કમિશનર કરશે.