અમદાવાદ, 28 જાન્યુઆરી 2026: શહેરમાં પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજનામાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મકાનો ફાળવવામાં આવ્યા છે. આવાસ યોજનામાં એલોટ થયેલા મકાનો મળ્યા બાદ કેટલાક લોકોએ મકાનો ભાડે આપી દીધા હોવાની ફરિયાદો ઊઠી છે. કેટલાક લોકોએ મકાનો બારોબાર વેચી પણ દીધા છે. ત્યારે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આવાસ યોજનામાં તપાસ ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. શહેરના સાતેય ઝોનમાં અત્યાર સુધીમાં 5629 મકાનોનું ચેકિંગ કરવામાં આવ્યું છે અને 372 મકાનોના માલિકોને શો કોઝ નોટિસો આપવામાં આવી છે અને 35 મકાનો સીલ કરાયા છે. આગામી દિવસોમાં 1,000થી વધારે મકાનો મ્યુનિસિપલ કોર્પોરેશનના હાઉસિંગ એસ્ટેટ સેલ વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવશે. 200 જેટલા મકાનો લાભાર્થીઓને ફાળવ્યા બાદ પણ ત્યાં રહેવા ન ગયા હોવાનું પણ કહેવાય છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હાઉસિંગ કમિટીના સૂત્રોએ જણાવ્યું હતું કે, સાતેય ઝોનમાં અત્યાર સુધીમાં 5629 મકાનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતુ. જેમાં 372 મકાનોના માલિકોને શો કોઝ નોટિસો આપવામાં આવી છે અને 35 મકાનો સીલ કરાયા છે તેમજ 63 મકાનોના લાભાર્થીઓને અંતિમ નોટિસ ફટકારવામાં આવી છે. હાઉસિંગ એસ્ટેટ સેલ વિભાગ દ્વારા આવાસ યોજનાના મકાનોના ચેકિંગમાં 200 જેટલા મકાનો ફાળવાયા પછી તે મકાનોમાં લાભાથી રહેવા આવ્યા નથી. જેથી 200 વ્યક્તિઓને મકાનોની જરૂર ન હોવાનું માનીને લાભાર્થી પાસેથી મકાન કેમ પરત નહીં લેવા? તે અંગે ખુલાસો માંગવામાં આવ્યો છે.
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ફાળવવામાં આવેલા મકાનોમાં ચેકિંગ કરવામાં આવતાં મૂળ લાભાર્થી સિવાય અન્ય લોકો સ્ટુડન્ટ એમ્પોલઈઝ વસવાટ કરતા હોવાનું જોવા મળતાં 4 મકાનોને સીલ કરવામાં આવ્યા છે અને પંચનામું કરીને મૂળ લાભાર્થી દ્વારા આવાસ ફાળવણીની શરતોનો ભંગ કરાયો હોવાથી મકાનની ફાળવણી રદ કેમ ન કરવી તે અંગે ખુલાસો કરવા કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે.


